પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શોફરને કહ્યું કે "બિલકુલ હોર્ન ના મારતો, હાં કે! અને ખૂબ 'સાઇલેન્ટલી' ગાડી બહાર કાઢી લે". ગાડી દૂર ન થઈ ત્યાં સુધી બારણું પણ દાદાએ બીડ્યા વિનાનું જ રાખ્યું. આંબલી પરનાં નાનાંમોટાં તમામ પક્ષીઓ જરીકે ચોંક્યા વગર જંપેલા રહ્યાં.

દાદા હજુ જાણે એની સફેદ દાઢીમાં હાથ પરોવતા સામે જ ઊભા હોય એવી અદબ રાખીને કાળુ પાછો બાંકડા પર બે ગોઠણ વચ્ચે મોં દાટીને બેસી રહ્યો. રેલગાડીમાં વીજળી-બત્તીનું ખાનું સાચવતો કાળુ દર એકાંતરે આટલી આટલી રાતો થયાં મુસાફરીઓ ખેંચતો હતો; પણ અત્યારે એણે આકાશનો એક ચળકતો તારો જેવો એકીટશે જોયો તેવી રીતે કદી નહોતો જોયો. પોતાની સ્ત્રી સુખે જંપીને સૂતી છે એટલું જાણ્યા પછી જ પરોઢના સુંવાળા પવનની ઠંડકનું એને ભાન આવ્યું. પરસેવે રેબઝેબ થઈ ગયેલું પહેરણ શરીર પર ચોંટી ગયું છે તેની એને હજુ હવે જ ખબર પડી. 'સવિતા થાકીને સૂતી છે!' એને નિરાંત વળી.

પણ હજુ એને પૂરી ખબર નહોતી પડી. ઘણાં છોકરાં જેમ નાનપણથી જેમ વધુ પડતું સમજી જાય છે તેમ ઘણા જુવાનો મોટી ઉમ્મરે પણ એવી જાડી બુદ્ધિના, બોઘા રહી જાય છે કે એની સંસારી સાન જલદીજલદી વાત પકડતી નથી. કાળુ એવો એક બોઘો બ્રાહ્મણપુત્ર હતો. અરે, એને બ્રાહ્મણનું ફરજંદ જ કોણ કહે? એની જાતિ 'ઝોડ'ની હતી. ઝોડની માફક ઊંધું માથું ઘાલીને ઉદ્યમ કરવાનું જ એ સમજતો. એકલ મિજાજનો કાળુ વ્યવહારવિદ્યા શીખવાની દુનિયાઈ શાળામાં ભમ્યો જ નહોતો.

"કાળુ, તારે ઘેર દીકરો અવતરેલ છે - દાદાએ કહ્યું ને?" અંદરથી આવીને દાઈએ ખબર દીધા ત્યારે પ્રભાતનો પવન કાળુનાં નયનોમાં એક ઝોલું ભરી રહ્યો હતો.

કાળુએ જાણે કે સ્વપ્નમાં સાંભળ્યું. દાઈને એણે નિહાળી નિહાળીને જોઈ ત્યારે ખાતરી થઈ કે આ સ્વપ્ન નથી - સત્ય છે.

'સવિતાએ મને દીકરાની ભેટ દીધી! એણે મને જીવતું માનવી અર્પણ કર્યું!' આ રોજની સાદી વાતમાં પણ કાળુ જેવા બોઘા જુવાન કો