પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દીધી. ને 'સવારની ટ્રેનમાં પાછા જવા દઇશું' એવું વચન આપી વરવહુએ 'ભાઇ'ને ગામમાં જોડે લીધા.

આ ત્રણેય જણાંને જોતાં જ સ્ટેશન પર ઊભેલાં ગામલોકોમાં વાત ચાલીઃ

"ખરો ભાઇબંધ! આનું નામ ભાઇબંધ!"

"ખરેખર, હો! પોતાના દોસ્તદારનું જોગીવ્રત ભંગાવીને પરણાવ્યે રહ્યો."

"બીજા મથી મથીને મરી ગયા, ડોસોને ડોસી ખોબલે આંસુડાં ખેરતાં ખેરતાં મસાણે જવા બેઠાં, તોય જે ન માન્યો તેને આ એક ભાઇબંધે પલાળ્યો."

"ને વિવામાં શું? - આ મે'રબાનને કાંઇ થોડી ગતાગમ હતી! સગપણ, સમૂરતું, સાકરચુંદડી, લગનની તમામ તૈયારી - વાહન, ગાડીઘોડાં, વાજાંગાજાં, સાજન-મંડળને તેડાં...અરે, કન્યા સારુ કંકુની શીશીઓ ને અરીસોય એ માઇનો પૂત ભેળું કર્યે રિયો."

"ને કકડાવીને ભુટકાડી દીધાં બેઇને!" બોખલા ડોસાએ એટલું બોલીને હસાહસ કરી મૂકી.

"છાતીવાળો! ગજબ છાતીવાળો! ને જમાનાનો ખાધેલ!" ગામના ઘાંચીએ પણ રસ્તે ચાલતાં પુરવણી કરી.

"ને શું -" ત્રીજાએ સહુને રસ્તા પર ઊભા રાખી સોગંદ ખાધાઃ"અવલથી આખર સુધીનું કુલઝપટ ખરચ પણ આ લગનમાં એણે જ ચૂકવ્યું."

"ભાઇબંધી તે અજબ વાત છે, ભાઇ! જૂનીઉં વાતું કાંઇ વગર મફતની જોડણી હશે."

ગામ ભણી વળતાં આ વાર્તારસીક મોજીલાં પેસેંજરોને પાછળ છોડતી પેલાં ત્રણેય જણાંની ટેક્સી દૂર દૂરથી પોતાની પછવાડેનું ત્રીજું રક્ત-લોચન ફાડતી દોડતી જતી હતી.

ટેક્સીમાં પણ પહેલી બેઠક 'ભાઇ'ની, વચલી પત્નીની ને છેલ્લે પોતાની રાખીને પતિએ 'ભાઇ' તથા પત્ની વચ્ચેનો અધૂરો વાર્તાલાપ પૂરો