પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જીવ૦—તમારી મા અહીં સુધી સામાં તેડવા આવશે, તોજ અમે તમારે ઘેર આવીશું.

રંગલો—ખરી વાત છે કે:—

उपजाति वृत्त

नही स्वपत्नी प्रिय सासरामां,
के सर्व जेने न गणे कशामां;
सासूथि सन्मान नही थवानुं,

धिकार ! ते सासरिये जवानुं. ३४

રઘના૦—રાતવેળાની એ તે અહીં ક્યાં આવે ? (હાથ ઝાલીને) ચાલો ચાલો.

જીવ૦—(ચાલે છે.)

સોમ૦—જીવરામભટ્ટ, હમણાં તમે તમારે ઘેર શો ધંધો કરો છો ?

રંગલો—ગધાડાં ચરાવવાનો.

જીવ૦—હાલ અમે લખણું લખીએ છીએ. તે દહાડાના બસો શ્લોક અને રાતના ત્રણસેં શ્લોક લખી કહાઢીએ છીએ. અમારા જેવા અક્ષર આખા શહેરમાં બીજા કોઈના નથી. પાંચ રૂપિયાના એક હજાર શ્લોક લખી આપીએ છીએ.

રંગલો—રતાંધળો !!! (કહીને નાશે જાય છે.)

જીવ૦—(છાતી કૂટે છે) હાય ! હાય ! (હેઠો બેસે છે.) જાઓ ! હું તો તમારે ઘેર નહિ આવું.

રંગલો

दोहरो

मानीने अपमानथी, चडे कारमो काळ;
जो नव चाले जोर तो, कूटे आप कपाळ, ३५

રઘના૦—ગામના લોકો કહે તેમાં અમે શું કરીએ ? અમારાથી કાંઈ ગામના મોઢે ગળણું બંધાય ? લોકો તો દેખે તેવું કહે. અમારા ઘરનાંએ કોઈએ કહ્યું હોય, તો અમારો વાંક.

સોમના૦—ચાલો માબાપ, ચાલો. અમે તો તમારી ખુશામત કરીને થાક્યા હવે.

જીવ૦—તમારા ગામના દરબારને કહીને એવો બંદોબસ્ત કરાવો કે ગામમાં અમને કોઈ રતાંધળા કહે નહિ, તોજ અમે તમારે ઘેર આવીશું; નહિ તો નહિ આવીએ.

રઘના૦—સોમનાથ, તું જઈને ઠાકોરને[૧] કહે કે ગામમાં બંદોબસ્ત કરે કે જીવરામભટ્ટને આપણા ગામમાં કોઈ રતાંધળો કહે નહિ.

સોમના૦—હું જાઉં છું. (જાય છે)

રંગલો—આવો દરિદ્રી, ભીખારી અને મિજાજી છે, તેની આટલી બધી ખુશામત શી કરવી ? અમે પણ અમારે સાસરે તો જઈએ છીએ, ત્યાં આટલી બધી અમારી ખુશામત કોઈ કરતું નથી.

  1. જે ગામમાં આ નાટક થતું હોય, ત્યાંના ઠાકોરનું કે દિવાનનું નામ લેવું