પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સોમના૦—ઠીક છે, એમ કરીશ. (પાસે જાય છે.)

રઘના૦—સોમનાથ, તું જીવરામભટ્ટનાં લૂગડાં, દોરી, તુંબડી, બધું તપાસી લે.

સોમના૦—તપાસી લીધાં. જીવરામભટ્ટ, ચાલો ચાલો, જેમ તમે રાજી થશો તેમ કરીશું. લો, આ તમારી પાઘડી પહેરો.

જીવ૦—(પાઘડી ફેંકી દે છે.) ના, ના, અમારે આવવું નથી.

સોમના૦—(ફરી ફરીને પાઘડી પહેરાવે છે.) બોલો તો મારા સમ, બ્રાહ્મણના સમ, બ્રહ્મહત્યા, ગૌહત્યા.

જીવ૦—(સોમનાથનો હાથ ઝાલીને ઠેબાં ખાતો ખાતો ચાલે છે.)

રંગલો—વાહ ! વાહ ! છેલબટુકની ચાલ જો જો. આ ગામની બાઇડીઓ જોશે તો મોહિત થઇ જશે.

(જીવરામભટ્ટને ખભેથી ધોતિયું પડી જાય છે ને સોમનાથનો હાથ તેના હાથમાંથી છૂટી જાય છે. સોમનાથ આગળ જઈને ઉભો રહે છે. જીવરામભટ્ટ હેઠો બેશીને ફાંફા મારે છે, પણ ધોતિયું જડતું નથી, એટલે ત્યાં હેઠે બેસે છે.)

સોમના૦—વળી કેમ હેઠે બેઠા ? ચાલોને.

જીવ૦—તમારે ઘેર આવતાં અમારૂં માન વધતું નથી. અમે તો આજની રાત અહીંજ બેસી રહીશું. કહ્યું છે કે,—

शार्दूलविक्रीडित वृत्त

जेना नेत्र विशे सनेह न मळे, हैडुं न हर्खे मळी,
मोढे मिष्ट वदी वखाण करीने, पूंठे वखोडे वळी;
दुःखे दाझ दिसे नहिज दिलमां, देखी वडाइ बळे,

तेने घेर जवुं जरुर न घटे, जो मिष्ट मेवा मळे. ३२

સોમના૦—ચાલો ચાલો, તમારૂં ધોતિયું ભોંયથી લ્યો.

જીવ૦—રસ્તા વચ્ચે અપવિત્ર જગામાં પડ્યું, માટે અમે તે લેતા નથી. (એમ કહીને, બીજી તરફ હાથે અનાદર કરે છે.)

રંગલો—હવે તે ધોતિયું કામમાં આવશે નહિ.

उपजाति वृत्त

अशक्यताथी नहि हाथ आवे,
तो दोष तेमां ठग ते ठरावे;
थाके कदी जो करि कूदकारो,

कहे, नथी ते फळ स्वाद सारो. ३३

રઘના૦—(ધોતિયું લઇને જીવરામભટ્ટને ખભે મૂકે છે.) લો, લો. આ તમારૂં ધોતિયું.

જીવ૦—(વારે વારે ફીંકી દે છે) નહિ, નહિ ! હવે એ ધોતિયું અમે કદી પહેરવાના નહિ.

સોમના૦—લાવો બાપા મારે ખભે નાખું. (લે છે) જીવરામભટ્ટ ચાલો. (હાથ ઝાલે છે.)