પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રઘના૦—ગઇ રાતે અમારા ઘરમાં ચોર પેઠા હતા.

શિરસ્તે૦—કેટલા ચોર હતા ?

રઘના૦—આશરે ચારપાંચ ચોર હતા, પણ ખરેખરો તો એકજ અમારા જોવામાં આવ્યો.

શિરસ્તે૦—પછી શું થયું ?

રંગલો૦—પછી શું થયું તે શું ? ખુબ હાથરસ લીધો.

સોમના૦—(રઘનાથભટ્ટના કાનમાં)(બાઇડીઓનું નામ દેશો નહિ, નહિ તો બાઇડીઓને કરીમાં બોલાવશે.)

રઘના૦—પછી અમે બુમો પાડી, એટલે બીજા ચોર નાશી ગયા અને એક પકડાયો.

શિરસ્તે૦—કોણે પકડ્યો ?

રઘના૦—ચોકીના સિપાઇઓ આવી પહોંચ્યા તેઓએ પકડ્યો.

શિરસ્તે૦—ઘરમાં દીવો હતો કે અંધારું હતું ?

રઘના૦—અંધારૂં હતું. દીવો ઓલવાઇ ગયો હતો.

રંગલો૦—એ તો અંધારે બહેરૂં કૂટાઇ ગયું.

શિરસ્તે૦—ક્યાંઇ ખાતર પાડ્યું છે કે ? ક્યાં થઇને પેઠા ?

રઘના૦—ખાતર તો ક્યાંઇ પડેલું જણાતું નથી.

શિરસ્તે૦—સિપાઇ આવ્યા ત્યારે ખડકીનું બારણું બંધ હતું કે ઉઘાડું હતું કે ઉઘાડું હતું ?

રઘના૦—બારણું બંધ હતું, તે સિપાઇઓએ બારણું ઠોક્યું, એટલે અમારી ઘરવાળીએ—ના, ના, મેં જ ઉઘાડ્યું હતું.

રંગલો૦—જો જો, પરમેશ્વર માથે રાખીને સાચેસાચું બોલજો.

શિરસ્તે૦—ત્યારે ચોર કિયે રસ્તે થઇને નાશી ગયા ?

રઘના૦—તે તો અમને કાંઇ ખબર પડી નહિ.

રંગલો૦—નશીબમાંથી ઉતર્યા હતા, અને નશીબને રસ્તે ગયા.

શિરસ્તે૦—તમે ચોરને ઓળખી શકશો કે ?

રઘના૦—એમાં શું ઓળખવું છે ? સિપાઇઓ અમારા પકડી ગયા એજ તો. આ ખાટલામાં સૂતો છે તે.

રંગલો૦—હા, એને ફાંસી દેવાનો અત્યારે હુકમ કરો, તો રઘનાથભટ્ટ બહુ રાજી થાય.

શિરસ્તે૦—ત્યાં ખાટલા પાસે જઇને, એનું મોં જુઓ.

રઘના૦—રાતે અંધારામાં અમે ચોરનું મોં દીઠું નથી.

શિરસ્તે૦—ત્યાં જઇને જુઓ, કાંઈ પણ નિશાની બતાવી શકો છો ?

રઘના૦—(ચોરનું મોં જોવા જાય છે.)

રંગલો૦—મશાલ પાસે રાખીને ખૂબ નિહાળીને જો જો ! લાવો બીજી બે ચાર મશાલો કરાવીશું?

રઘના૦—(ચાદર ઉંચી કરી, મોં જોઇને) અરે! જીવરામભટ્ટ તમે ક્યાંથી?