પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જમાદા૦—(ધમકી દઇને) છાનામાના પડ રહે.

ફોજદા૦—તે શું કહે છે?

જમાદા૦—ઓ તો સાલા કહેતા હે કે મેરેકું માર ડાલા.

રંગલો૦—અરે ! સારાં નશીબ જાણને, કે આટલો જીવતો રહ્યો છે. નહિ તો કાચી કેદમાંથી તો કંઇક પરભાર્યા મસાણમાં ગયેલા છે, તેનો પત્તોજ લાગ્યો નથી.

ફોજદા૦—(શિરસ્તેદારને) કાંઇ ફીકર નહિ. જુબાની લેતાં પણ કદાપિ એમ બોલે, તો તે વાત લખવાની જરૂર નથી. કેમકે એ તો બધા ચોર લોકો એવું બોલવા શીખ્યા છે. કે, મુદ્દો કબુલ કરવા સારૂ મને માર માર્યો.

શિરસ્તે૦—રઘનાથભટ્ટ, પહેલી તમારી જુબાની લખાવો.

રઘના૦—અમારા કર્મ ફૂટ્યાં, હવે અમારી શી જુબાની લખાવવી છે?

રંગલો૦—હજી તો કર્મ ફુટવાનાં આગળ છે.

રઘના૦—આ હાથોહાથે ચોર પકડાયો છે, તો પણ અમારા ગરીબ માણસની ચોરીનો ક્યાં પત્તો લાગવાનો છે ! !

ફોજદા૦—મહારાજ, સમાલી જુબાની લખાવો, જો બેઅદબી બોલશો તો શિક્ષા થશે.

સોમના૦—સમય તો એવોજ છે, કે ઉલટો ચોર કોટવાળને દંડે.

શિરસ્તે૦—તમારૂં નામ રઘનાથભટ્ટ ?

રઘના૦—હા, મારૂં નામ રઘનાથભટ્ટ ? (તે લખે છે.)

શિરસ્તે૦—તમારા બાપુનું નામ ?

રઘના૦—મારા બાપુનું નામ અમથારામ.

શિરસ્તે૦—જાતે ખેડાવાળ, ગોમતીવાળ કે રોઢવાળ, કે પલેવાળ છો?

રઘના૦—અમે લાડુવાળ બ્રાહ્મણ છીએ. (હાથે લાડવો વાળી દેખાડે છે.)

શિરસ્તે૦—તમારી ઉમર કેટલા વરસની છે?

રઘના૦—આશરે પચાશ વર્ષ થયાં હશે. પછી દશવીશ આમ કે પછી દશવીશ આમ.

શિરસ્તે૦—તમારો ધર્મ ?

રઘના૦—મિષ્ટાનપંથીનો ધર્મ.

શિરસ્તે૦—શો ધંધો કરો છો?

રઘના૦—પત્રાળી ભરવાનો.

શિરસ્તે૦—કિયા મહોલ્લામાં રહો છો ?

રઘના૦—ઢેડપરીમાં

શિરસ્તે૦—કહો કે પરમેશ્વર માથે રાખીને સાચેસાચું લખાવીશ.

રઘના૦—પરમેશ્વર માથે રાખીને આ રાજ્યના દસ્તુર પ્રમાણે સાચેસાચું લખાવીશ

શિરસ્તે૦—કહો કે જુઠું લખાવું તો મને પરમેશ્વર પૂછે !

રઘના૦—જેવા તમને પરમેશ્વર પૂછે, એવો અમને પણ પરમેશ્વર પૂછે.

શિરસ્તે૦—કહો શી રીતે થયું ?