પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સૂત્ર૦—ભાઇ જ્યાં સુધી જેનો સહવાસ થયો ન હોય, ત્યાં સુધી શી ખબર પડે ? કહ્યું છે કે —

उपजांति वृत्त
पड्युं नहीं काम वस्या न पासे,
त्यां सुधी सारा सरवे जणाशे,
तारी पठे ज्यां सहवास थाय,
त्यारेज तेना गुण तो जणाय.

રંગલો—ઠીક છે, તમારા ગુણ અમે જાણી લઇશું.

સૂત્ર૦—હવે સાંભળ. પ્રથમ હું આ સુંદર વનનું[૧] વર્ણન કરૂં.

રંગલો—ઠીક છે, કરો.

સૂત્ર૦

शार्दूलविक्रिडित वृत्त
आंबा, आमलि, लीमडां, वड वडा, झुंडे झुक्यां झाड छे,
छत्रोनी छवि छाइ होय छतमां, तेवा उंचा ताड छे,
गायो वृंद हरे फरे, तृण चरे, गोवाळिया गाय छे,

जोतां आ वनने जरुर उरमां, आनंद संधाय छे. ५

રંગલો—એ તો ખરૂં, પણ આ કયા દેશનું જંગલ છે ? તેની મને ખબર પડતી નથી.

સૂત્ર૦—સોરઠ દેશનું આ જંગલ છે.

રંગલો—સોરઠ દેશની શી શી વસ્તુ વખણાય છે ?

સૂત્ર૦—સોરઠનાં પાંચ તો રત્ન કહેવાય છે ?

રંગલો—તે કયાં કયાં પાંચ ? કહો.

સૂત્ર૦—સાંભળ —

श्लोक
सौराष्ट्रे पंच रत्नानि, नदी, नारी, तुरंगमम् ।

चतुर्थं सोमनाथश्च, पंचमं हरिदर्शनम् ॥ ६
અર્થ—ગોમતી વગેરે નદીઓ, સોરઠી સ્ત્રીઓ, કાઠિયાવાડી ઘોડી. સોમનાથ અને દ્વારિકા, એટલાં પાંચવડે સોરઠ દેશ વખણાય છે.

રંગલો—ઇડર જીલ્લામાં પણ પાંચ વાનાં વખણાય છે, તેનો અશ્લોક છે.

સૂત્ર૦—તે કયાં કયાં ?

રંગલો

श्लोक
ईडरे पचरत्नानि, पाणी, पाषाण, पानडां;

चतुर्थं गाळिदानं च, पंचमं वस्त्रलोचनं. ७

  1. આ ઠેકાણે વનનું વર્ણન કર્યા વિના, પુસ્તકમાં લખ્યું કે સ્થળ વગડો, તેથી કાંઈ ખેલ જોનારા સભાસદોને ખબર પડે નહિ કે આ બનાવ વનનો છે, માટે કલ્પિત વનનું વર્ણન કર્યું.