પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૦
મોત્સાર્ટ અને બીથોવન
 

પૂતળા, તું આવીશ ને સાંજે જમવા?” ડોકું ધુણાવી પૂતળું હકારાત્મક જવાબ આપે છે; એટલે મદમસ્ત જિયોવાની બોલે છે, “ના એમ નહિ ચાલે; મોંમાંથી બોલીને જવાબ આપ ! તું જમવા આવીશ કે નહિ ?” પૂતળું માત્ર એક શબ્દ બોલે છે : “હા”. લેપોરેલો સાથે જિયોવાની કબ્રસ્તાનમાંથી વિદાય લે છે.

બદલાયેલા દૃશ્યમાં ઘરમાં એનાને સાંત્વન આપતો ઑતાવિયો દેખાય છે. એ બોલે છે : “તારા પિતાના ખૂનનો બદલો વાળીને જ હું જંપીશ. પણ, પહેલાં ચાલ, આપણે પરણી તો જઈએ !” ધડ દેતીકને એના ના પાડે છે અને કહે છે “નહિ ! વેરનો બદલો ચૂકવાય નહિ ત્યાં સુધી હું કોઈ પણ સુખ કેવી રીતે ભોગવી શકું ?”

અંતિમ દૃશ્ય પ્રકાશથી ઝગમગતા જિયોવાનીના ઘરના મોટા ખંડમાં ખૂલે છે. ત્યાં એ ઘણાબધા મહેમાનોની આગતાસ્વાગતા કરતો દેખાય છે. એ ઉલ્લાસભર્યા આનંદી માહોલમાં ખાઉધરો લેપોરેલો તો મહેમાનોને મૂકીને પોતે જ ભોજન પર અકરાંતિયાની જેમ તૂટી પડે છે અને ઢીંચવામાં મશગૂલ બને છે. અચાનક એલ્વિરા પ્રવેશે છે અને જિયોવાનીને આજીજી કરે છે : “જો તું ઈશ્વર સમક્ષ સાચા દિલથી માફી માંગે તો હજી પણ તારી પાસે સુધરી જવા માટે તક છે. તું સાચા રસ્તે વળે તો હું તારી સાથે પરણી જવા તૈયાર છું, કારણ કે હજી પણ હું તને ચાહું છું !” પણ જિયોવાની આ સલાહ ઠુકરાવી દે છે. એ જ વખતે લેપોરેલો બોલી ઊઠે છે કે બારીમાંથી એને બહાર પૂતળું આવીને ઊભેલું દેખાય છે. તરત જ બારણે ટકોરો પડવાનો મોટો અવાજ સંભળાય છે. જિયોવાની લેપોરેલોને બારણું ઉઘાડવાનો હુકમ કરે છે. પણ લેપોરેલો ડરનો માર્યો એક ટેબલ નીચે લપાઈ જાય છે. તેથી જિયોવાની જાતે જઈને બારણું ખોલે છે. મંદ્ર સપ્તકોમાં ઓર્કેસ્ટ્રા ગાજી ઊઠે છે. પૂતળું શાંતિથી ગૌરવપૂર્વક પ્રવેશીને ભવ્ય ઘોઘરા અવાજમાં બોલે છે : “મેં મારા વચનનું પાલન કર્યું.” ડૉન જિયોવાની પૂતળાને આવકાર આપે છે અને નમ્રતાપૂર્વક ભોજન શરૂ કરવા વિનંતી કરે