પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૨
મોત્સાર્ટ અને બીથોવન
 

સંગીતકારોને હરીફાઈમાં પછાડીને જ લોકોનું ધ્યાન ખેંચી શકાય. બીથોવન મૂળ તો વિયેના બહારથી આવેલો, પણ એ હરીફાઈઓમાં હરીફોને પછાડીને જ રહ્યો. એના સંગીતમાં જે તાકાત અને અગ્નિ પ્રજ્વળી રહેલાં એની મિસાલ જડવી મુશ્કેલ હતી. પણ હરીફોના સંગીતમાં પણ એક ગુણ હતો જે કેટલીક વાર બીથોવનના સંગીતમાં ઓછો હતો. એ ગુણ હતો લાવણ્યનો. પણ હરીફો તેમ જ મેજબાનો અને શ્રોતાઓ તરફ બીથોવનનું વર્તન એટલું ઉદ્ધત રહેતું કે એના તરફ પ્રેમ કે દોસ્તીનો ભાવ ભાગ્યે જ કોઈને જાગે !

1799માં એક સમકાલીન મૅગેઝિનમાં બીથોવન અને એના યુવાન હરીફ પિયાનિસ્ટ જૉસેફ વુલ્ફલની હરીફાઈ વિશે એક રિપોર્ટ છપાયેલો. બીથોવનથી બે વરસે નાના વુલ્ફલના મધુર પિયાનોવાદને અગણિત શ્રોતાઓને એના ફૅન બનાવી દીધા. આખી વિયેનાનગરી વુલ્ફલ અને બીથોવનના ફૅન્સ-ચાહકોમાં વહેંચાઈ ગઈ. એ મૅગેઝિનના લેખકે વુલ્ફલના પિયાનોવાદનની તારીફમાં એની લાવણ્યમય અભિવ્યક્તિ, ચોકસાઈ, સ્પષ્ટતા અને આભાસી પ્રયાસહીનતાના ગુણ ચીંધી બતાવ્યા. પણ બીથોવનના પિયાનોવાદનમાં તેજસ્વી બૌદ્ધિકતાના અસધારણ ચમકારા જોવા મળે છે એમ કહ્યું; અને લેખના અંતમાં છેલ્લું વાક્ય મૂક્યું : “વુલ્ફલ ચડિયાતો એટલા માટે છે કે એની વર્તણૂક નમ્ર, વિનયપૂર્ણ અને વિવેકી છે. બીથોવન અહંકારી અને ઉદ્ધત છે.”

બીથોવને ખરેખર કબૂલ કરેલું કે જે લોકો એને ઉપયોગી થઈ શકે એમનું જ એને મન થોડુંઘણું, અને તે પણ તત્કાળ પૂરતું જ, મહત્ત્વ છે : “જે લોકો મને ઉપયોગમાં આવતા હોય તેમનું જ મારે મન મૂલ્ય છે. મને કંટાળો આવે ત્યારે એમની સાથે બે ઘડી દિલ બહેલાવી શકું એ માટેના રમકડાથી વિશેષ એ લોકો કશું નથી.” પોતાને એ એટલો તો મોટો ખાંસાહેબ સમજતો કે વૃદ્ધ હાયડન