પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોત્સાર્ટ
 

 જર્મન સંગીતનાં મુખ્ય કેન્દ્રો હતાં. એમાંથી ઉત્તર જર્મનીનાં પ્રૉટેસ્ટન્ટ નગરો હૅમ્બર્ગ, બર્લિન અને ડ્રૅસ્ડન મહાન જર્મન સંગીતકાર જે. એસ. બાખ(1685-1750)ની શૈલીની પ્રગાઢ અસર નીચે હતાં. દક્ષિણનાં મ્યુનિખ અને વિયેના કૅથલિક સત્તાના કાબૂ હેઠળ હોવાથી તે ફ્રાંસ અને ઇટાલીની કાઉન્ટરપૉઈન્ટ શૈલી*[૧]ના પ્રભાવ નીચે હતાં. ઉત્તર જર્મનીની જે. એસ. બાખની શૈલીની હાર્મની અને ઈટાલિયન શૈલીના કાઉન્ટરપૉઈન્ટના સંયોગથી ગાલાં (Gallant) શૈલી જન્મી. જે. એસ. બાખના પ્રતિભાશાળી પુત્રો કાર્લ ફિલિપ ઇમાન્યુએલ તથા જોહાન ક્રિશ્ચિયને ગાલાં શૈલીને મજબૂત બનાવી. અને એ પછીના જર્મન સંગીતકારોએ ઈટાલિયન અસરોને તિલાંજલિ આપવા મથામણ આરંભી. એમાં ગ્લકનું નામ પહેલું છે. એણે જર્મન કૉમિક ઑપેરા લખવાની પહેલ કરી. એમાંથી જર્મન રાષ્ટ્રીય ઑપેરા જન્મ્યો, જે ‘સિન્ગ્સ્પીલ’ નામે ઓળખાયો. એમાં સંવાદો ગાવાને બદલે બોલવામાં આવતા અને બે સંવાદો વચ્ચે સંગીતકાર સંગીત ગોઠવતો. જર્મન મહાકવિ ગથેએ પણ સિન્ગ્સ્પીલના વિકાસમાં ફાળો આપ્યો. ‘વિકાર ઑફ વેઈટફીલ્ડ’ ઉપરથી એણે ‘એર્વિન એટ એલ્મીરે’ (1775) નામના ઑપેરાના સંવાદો લખ્યા જેમાં જોહાન આન્દ્રેએ સંગીત આપેલું.

અઢારમી સદીમાં જર્મન સંગીતના ઘાટઘૂટ સંપૂર્ણતાની એટલી હદે પહોંચ્યા કે એ સંગીત ‘ક્લાસિકલ’ કહેવાયું. એ જ વખતે જર્મન વિદ્વાન જે. જે. વીન્કલ્માને પ્રાચીન રોમન નગરો હર્ક્યુલેનિયમ અને પોમ્પેઈનાં તાજેતરમાં મળી આવેલાં ખંડેરોનો અભ્યાસ કરીને ચિત્ર અને શિલ્પમાં આકાર અને ઘાટની સાદગીભરી સંપૂર્ણતા પર ભાર મૂક્યો. જાક લૂઈ દાવીદે ક્લાસિકલ ચિત્રકલાની આરાધના આરંભી. પરંતુ સંગીતના ક્ષેત્રમાં આટલો બધો જૂનો સંદર્ભ મળતો નહોતો. પ્રાચીન ગ્રેકોરોમન યુગમાં સ્વરનોંધ – નોટેશન – ની કોઈ પ્રણાલિકા


  1. * સૂરાવલિના સૂરો અવળા ગોઠવી મૂળ સૂરાવલિ સાથે તેનું સંયોજન કરી સર્જાતી શૈલી.