પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોત્સાર્ટ અને બીથોવન
 


પોતાનું નામ ઊંધું બોલતો કે ઊંધી સહી કરતો – ‘Trazom’. બિલિયર્ડનો એ રસિયો હતો. ઘરમાં જ બિલિયર્ડનું ટેબલ રાખતો. સંગીતનો સ્કોર લખતાં લખતાં પણ બિલિયર્ડ રમવાની એને આદત હતી. જાતભાતનાં ફ્રૂટપંચ અને વાઈન્સનો શોખીન હતો. અત્યંત ધોળી ત્વચા ધરાવતો એ દૂબળોપાતળો અને નીચો આદમી હતો. નાની અમથી વાતમાં પણ મોટેથી હે-હે-હે-હે કરીને હસી પડવાની એને આદત હતી. ફૅશનેબલ કપડાં પહેરવાનો એને ભારે શોખ હતો. માત્ર છ વરસની ઉંમરે એણે સંગીતના જાહેર જલસા કરવા શરૂ કરેલા, અને આઠ વરસની ઉંમર પછી તો કદી રિયાઝ કરેલો નહિ. પિતાનો એ લાડકો હતો. એ જન્મ્યો ત્યારથી જ એક વફાદાર નોકરની જેમ પિતાએ એની સેવાચાકરી કરવી શરૂ કરી દીધેલી અને પુત્રને સાવ નાની ઉંમરે માનપાન અને પ્રતિષ્ઠા મળતાં પિતાએ અભિમાન લીધેલું. જર્મન સંસ્કાર અને સંસ્કૃતિ માટે પિતાપુત્ર બંનેને અપાર પ્રેમ અને ગર્વ હતો.

બુઝુર્ગ સંગીતકારોમાંથી જોહાન સેબાસ્ટિયન બાખ, તેના નવમા પુત્ર જોહાન ક્રિશ્ચિયન બાખ, કાર્લ ફિલિપ ઇમાન્યુઅલ બાખ, હૅન્ડલ અને જૉસેફ હાયડનના સંગીત માટે મોત્સાર્ટને ભરપૂર આકર્ષણ હતું. એમાંથી એ શીખ્યો પણ ખરો. પણ બુઝુર્ગ સંગીતકારો જેવી તગડા પગારવાળી અને આરામથી નિશ્ચિંત મને સંગીતસર્જન કરી શકાય તેવી કોઈ રાજાની પનાહ મોત્સાર્ટને મળી નહિ એ હકીકતને વિધાતાની બલિહારી જ ગણવી રહી. એક ફ્રી લાન્સ સંગીતકાર તરીકે તે ખાસ કમાણી કરી શક્યો નહિ !

અઢારમી સદીનું જર્મન સંગીત

અઢારમી અને ઓગણીસમી સદી જર્મન સંગીતનો સુવર્ણયુગ છે. પ્રુશિયાનો રાજા ફ્રેડેરિખ બીજો પોતે જ એક ઉત્તમ વાંસળીવાદક હતો. હૅમ્બર્ગ, બર્લિન, મૅન્હીમ, ડ્રૅસ્ડન, મ્યુનિખ, લિપ્ઝિક અને વિયેના