પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૬
મોત્સાર્ટ અને બીથોવન
 

એ મહાન સંગીતકારના જીવનમાં પોતાની મહત્તા વધારવા માટે ચિંતાતુર થઈને એણે કેટલાક પરિચિતો પર ખોટ્ટા જુઠ્ઠા આક્ષેપો મૂકીને સત્ય સાથે ચેડાં કર્યાં છે. ભત્રીજા કાર્લ સાથે બીથોવન જોહાનને ત્યાં રહેવા ગયો ત્યારે શીન્ડ્લરે એવો આક્ષેપ કર્યો છે કે કડકડતી ઠંડીમાં ફાયરવુડ નહિ આપીને જોહાને બીથોવનને થિજાવી દીધો અને પાછા ફરતાં ખાસ ખુલ્લી ઘોડાગાડીની સગવડ કરીને બીથોવનને ઠંડીથી એટલો બધો ઠીંગરાવી દીધો કે એ આખરે મરી ગયો.

ભત્રીજા કાર્લના આપઘાતના પ્રયત્ન પછી કોર્ટે એના વાલી બીથોવનની સાથે એક બ્રૂનિન્ગ નામના માણસને નીમેલો. કાર્લ સાથે બીથોવન જ્યારે જોહાનને ત્યાં હતો ત્યારે જ બ્રૂનિન્ગે વિયેનાથી અચાનક કાગળ લખીને જણાવ્યું કે, “કાર્લ માટે ધંધો શરૂ કરવાની તજવીજમાં હું પડ્યો હોવાથી તમે બંને જલદી વિયેના આવી જાઓ.” જોહાને કેવું વિલ બનાવવું એનું ડહાપણ બીથોવન હજી પણ છોડતો નહોતો તેથી બંને ભાઈઓ બાખડી પડ્યા. જોહાનની ઢાંકેલી-બંધ ઘોડાગાડી લઈને એની પત્ની તો આગોતરી જ વિયેના ચાલી ગયેલી તેથી બીજો વિકલ્પ નહિ હોવાને કારણે જોહાને બીથોવન અને કાર્લને ખુલ્લી ઘોડાગાડીમાં મોકલી આપ્યા. પણ ઠંડી, હિમવર્ષા અને પવન ખૂબ હતાં. વળી રસ્તામાં એક રાતે જે વીશીમાં રાતવાસો કર્યો ત્યાં અગ્નિની સુવિધા આપવામાં આવી નહિ. એ રાતે જ બીથોવનને તાવ આવ્યો. વિયેના આવીને તો એ પથારીવશ જ થઈ ગયો છતાં ત્રણ દિવસ સુધી તો એણે પોતાની કોઈ દરકાર કરી નહિ. છેક એ પછી એણે ડૉક્ટરને તેડાવ્યો.

શીન્ડ્લર વળી એવું કહે છે કે ડૉક્ટરને બોલાવી લાવવા માટે બીથોવને કાર્લને કહેલું પણ કાર્લ છેક ત્રણ દિવસ પછી ફિઝિશિયન વૅવ્રુચને બોલાવી લાવ્યો. એમણે પહેલું નિદાન ન્યુમોનિયાનું કર્યું પણ તરત જ ઝાડા છૂટી જવાની જૂની બીમારીએ પણ ઊથલો માર્યો.