પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૮
મોત્સાર્ટ અને બીથોવન
 

બનાવ્યો. પણ વિલ પર સહી એણે છેક અવસાનના બે જ દિવસ પહેલાં કરી. 1827ના માર્ચની ચોવીસમીએ એ કોમામાં સરી ગયો અને છવ્વીસમીએ બપોરે પાંચ વાગ્યે અવસાન પામ્યો. મૃત્યુની ક્ષણે એની પથારીની બાજુમાં બે જણા જ હતા : એન્સ્લેમ હુટન્બ્રેનર અને ભાઈ જોહાનની પત્ની.

મૃત્યુ પછી

એની કુલ સંપત્તિની આંકણી 3,000 પાઉન્ડ થઈ. તેમાં એના શૅરસ્ટૉકનો પણ સમાવેશ થઈ જાય છે. એ શૅરસ્ટૉકની શોધખોળ કરતાં જ એના ડેસ્કના ડ્રૉઅરમાંથી ‘ઇમ્મોર્ટલ બિલવિડ’ને સંબોધેલા પ્રેમપત્રો પણ મળી આવેલા.

માર્ચની ઓગણત્રીસમીએ એનો દફનવિધિ યોજાયો. એ દિવસે વિયેનાની સ્કૂલો બંધ રહી. એના ઘર આગળ 30,000 લોકો ભેગા થયા. એના કૉફિનને ઊંચકનારામાં એક શુબર્ટ પણ હતો. વિયેના નજીકના ગામ વાહ્‌રિન્ગના કબ્રસ્તાનમાં એને દફનાવાયો. કબર ઉપર નાની પિરામિડ ચણી એના પર નામ કોતરવામાં આવ્યું: BEETHOVEN. થોડાં જ વર્ષોમાં એની કબર એટલી બધી ઉપેક્ષિત થઈ કે 1888માં ‘વિયેના સોસાયટી ઑફ ફ્રેન્ડ્સ ઑફ મ્યૂઝિક'એ એનું કૉફિન ખોદી કાઢી વિયેના લઈ જઈ સેન્ટ્રલ સેમેટરીમાં શુબર્ટની કબરની બાજુમાં દફનાવ્યું.

ભત્રીજા કાર્લને કાકા બીથોવનની સંપત્તિ તો મળી જ, પણ વધારામાં કાકા જોહાનની 42,000 ફ્‌લોરિન્સની સંપત્તિ પણ 1848માં એના મૃત્યુ પછી મળી. જોહાનની પત્ની તો 1828માં મૃત્યુ પામેલી. 1858માં કાર્લ મૃત્યુ પામ્યો ત્યારે કાર્લની પત્ની અને બાળકો હયાત હતાં પણ પછી એ બધા વારસદારો વધુ ને વધુ ઘસાતા ગયા અને એ રીતે ગરીબ બનતા ગયા. કાર્લનો એક પૌત્ર (અને બીથોવન અટક ધરાવતી છેલ્લી વ્યક્તિ) પહેલા વિશ્વયુદ્ધમાં પોતાના દેશબંધુઓની સેવામાં સમાચારની આપલે કરનારા ખેપિયા અને