પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




પ્રકરણ – ૧૨
બીથોવન વિશે લેવ ટૉલ્સ્ટૉય

લૅવ ટૉલ્સ્ટૉયે જેટલી કડક ટીકા શેક્સપિયરની કરી છે એટલી જ કડક ટીકા બીથોવનની પણ કરી છે; કારણ કે લાગણીઓના હેતુહીન ઉદ્દીપનમાં ટૉલ્સ્ટૉય નહોતો માનતો. ટૉલ્સ્ટૉયની માન્યતા અનુસાર ખેડૂતો અને શ્રમજીવીઓ દ્વારા સર્જાતું સંગીત અર્થપૂર્ણ છે કારણ કે તે જીવન સાથે મેળ ખાય છે અને એ સિવાયનું બધું જ સંગીત માનવમનને બહેકાવનાર છે. પોતાની વાર્તા ‘ક્રુત્ઝર સોનાટા’માં કથાનાયકની સ્વગતોક્તિ દ્વારા ટૉલ્સ્ટૉયે પોતાનું મનોગત ઠાલવ્યું છે :

હંમેશની માફક બધી જ ડિનરપાર્ટીની માફક એ ડિનરપાર્ટી પણ કૃત્રિમ અને કંટાળાજનક હતી; પણ સંગીત ધાર્યા કરતાં વહેલું શરૂ થઈ ગયું. એ સાંજની દરેક વિગત મારા મગજમાં છપાઈ ગઈ છે. ખોખું ખોલીને વીંટાયેલું કપડું દૂર કરીને વાયોલિનિસ્ટે વાયોલિન બહાર કાઢ્યું. કોઈ મહિલાએ એ કપડા પર ભરતગૂંથણ કર્યું હોવું જોઈએ. વાયોલિન હાથમાં લઈને એણે તાર મેળવવા શરૂ કર્યા. એ અવાજથી ઉત્તેજિત થયેલી મારી પત્નીએ પોતાની ઉત્તેજના છુપાવવા પોતાના મોં પર ઉદાસીનતા અને ઔપચારિકતાના ખોટા ભાવ લાવવા મથામણ કરી. પછી વાયોલિનિસ્ટે વાયોલિન પર થોડા સ્વરો વગાડ્યા; અને એ જ વખતે એણે અને મારી પત્નીએ આંખોમાં નજર મેળવી. એકઠા થયેલા મહેમાનો તરફ જોતાં જોતાં બંનેએ થોડી ગુસપુસ કરીને સંગીત શરૂ કર્યું. મારી પત્નીએ જેવો પિયાનો વગાડવો શરૂ કર્યો કે તરત જ વાયોલિનિસ્ટનું મુખ ધીરગંભીર બની ગયું.
૧૮૦