પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૨
મોત્સાર્ટ અને બીથોવન
 

એ બધા મૂડમાં તણાવું મારે માટે નિરર્થક બને છે. આમ, કોઈ હેતુ કે ઉદ્દેશ વિના જ સંગીત આપણને ઉત્તેજિત કરે છે. લશ્કરે કવાયત કરવાની હોય તો લશ્કરી કૂચનું સંગીત વાગે તે ઉદ્દેશપૂર્ણ છે, નાચવાનું હોય ત્યારે નૃત્યસંગીત વાગે તે ઉદ્દેશપૂર્ણ છે અને પ્રાર્થના કરવાની હોય ત્યારે માસ વાગે તે પણ ઉદ્દેશપૂર્ણ છે. પણ આટલા અપવાદો સિવાય સંગીત આપણને ઉશ્કેરી મૂકે છે પછી એ ઉત્તેજના કે ઉશ્કેરાટને ક્યાં વાળવાં તેનું કોઈ દિશાસૂચન કરતું નથી. સંગીત ભયંકર જોખમકારક બની શકે છે. ચીનમાં સંગીત શાસનની સત્તા હેઠળ છે. સર્વત્ર આમ જ હોવું જોઈએ. કોઈ પણ માણસ બીજાને (બીજાબધા ઘણાને) સંગીત વડે સંમોહન કરી ગમે તે દિશામાં વાળી શકે એ કેવી રીતે ચલાવી લેવાય ? ઘણી વાર તો આવી રીતે સંમોહન કરનારાને કોઈ જ નૈતિક સિદ્ધાંતો હોતા નથી.

‘ક્રુત્ઝર સોનાટા’ની જ વાત લો ને ! એની પહેલી ‘પ્રૅસ્ટો’ ગતને મહિલાઓની હાજરીમાં કેવી રીતે વગાડી શકાય ? અને એ વગાડ્યા-સાંભળ્યા પછી પાછા આઇસક્રીમ ખાવાના અને થોડી કૂથલી પણ કરી લેવાની ? એ સાંભળીને ઉશ્કેરી મૂકેલી લાગણીઓને કેવી રીતે શાંત કરવી ? એ ઉશ્કેરી મૂકેલી લાગણીઓને શાંત કરવા માટે જો યોગ્ય પ્રવૃત્તિ કરવામાં આવે નહિ તો એ લાગણીઓ પ્રલય સર્જી શકે. મારી પર તો સંગીતે ખૂબ જ ખતરનાક અસર કરીને મારી દુર્દશા કરી છે. હું જાણતો પણ નહોતો તેવી મારી સુષુપ્ત વાસનાઓને જગાડીને અને પછી એને ભડકાવીને મારું નિકંદન કાઢી નાંખ્યું છે. આ સંગીત મને કહેતું જણાય છે : “તું જેવો તને માનતો હતો તેવો નહિ, પણ ખરેખર આવો છે !” સંગીતની આવી નાપાક અસર હેઠળ મેં મારી પિયાનિસ્ટ પત્ની અને પેલા વાયોલિનિસ્ટની ઉપર નજર ફેંકી ત્યારે એ બંને સાવ જુદાં જ – અજાણ્યાં – જણાયાં !