પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોત્સાર્ટ
૫૧
 


કરેલાં. માત્ર સારું ગાઈ–વગાડી જાણનાર સંગીતકાર તરીકે નહિ, પણ એક સર્જનાત્મક કંપોઝર તરીકે મોત્સાર્ટને આપવામાં આવેલી આ પ્રથમ અંજલિ છે. પણ બદનસીબે મોત્સાર્ટના જીવનકાળ દરમિયાન મોત્સાર્ટને આપવામાં આવેલી આ છેલ્લી અને એકમાત્ર અંજલિ બની રહે છે. શિન્ક માટે આ ઉપરાંત વધુ માન એટલા માટે ઊપજે કે એણે ‘ફિગારો’, ‘ડૉન જિયોવાની’, ‘કોસી ફાન તુત્તી’ અને ‘ઝુબેરફ્‌લોટ’ જેવા મોત્સાર્ટના હવે પછી લખાનારા ઑપેરા જોયા વગર ‘સેરાલિયો’ની ખરેખર કદર કરી.

હાયડનની હૂંફ

હાયડન અને મોત્સાર્ટની પહેલી મુલાકાત 1781માં થઈ. મોત્સાર્ટને જીવનના છેલ્લા દસકામાં પોતાનાથી ચોવીસ વરસ મોટા અને નિઃસંતાન હાયડન પાસેથી પિતા સમાન સ્નેહ, વહાલ અને હૂંફ સાંપડ્યાં. જેવા મળ્યા એવા જ એ બંને પરસ્પર નજીક આવી ગયા. આર્ચબિશપની નોકરી છોડી ફ્રી લાન્સ ધોરણે પગભર થઈ રહેલા અને કૉન્સ્ટાન્ઝેના મામલે બાપ જોડે બાખડી પડેલા મોત્સાર્ટને હાયડનનો ટેકો મળેલો. એ નિયમિતપણે મોત્સાર્ટને ઘેર મળવા આવતો અને એની કૃતિઓમાં રસ લેતો. મોત્સાર્ટે છ સ્ટ્રિન્ગ ક્વાર્ટેટ્સ લખી હાયડનને અર્પણ કર્યા; જે ‘વિયેના ક્વાર્ટેટ્સ’ નામે જણીતાં< બન્યાં. મોત્સાર્ટથી ચોવીસ વરસ મોટો હાયડન મોત્સાર્ટના મૃત્યુ પછી અઢાર વરસ જીવ્યો. મોત્સાર્ટના મૃત્યુ પછી મોત્સાર્ટના સંગીતના જલસા કરી એણે કૉન્સ્ટાન્ઝેને માટે રૉયલ્ટીની આવક ઊભી કરી તથા કૉન્સ્ટાન્ઝે અને મોત્સાર્ટનાં બે બાળકોને એણે સંગીતશિક્ષણ આપ્યું.

પ્રથમ પુત્રનો જન્મ અને પિતા સાથે સમાધાન

1783ની સત્તરમી જૂને કૉન્સ્ટાન્ઝે અને મોત્સાર્ટના પ્રથમ પુત્ર રેઇમુન્ડ લિયોપોલ્ડનો જન્મ થયો. પોતાના પિતાની યાદમાં મોત્સાર્ટે પિતાનું જ નામ આ પુત્રને આપેલું. અને આ પુત્રનો ગૉડફાધર પણ