પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨
મોત્સાર્ટ અને બીથોવન
 


મોત્સાર્ટ પોતાના પિતાને બનાવવા માંગતો હતો. એ રીતે તે પિતા સાથે સમાધાન કરી લેવા માંગતો હતો. પણ પુત્રજન્મની ખુશાલીમાં ભાગીદાર બનવા માગતા મોત્સાર્ટના મિત્ર બૅરોન ફૉન વૅટ્ઝ્લરે ગૉડફાધર બનવાની તાલાવેલી દર્શાવેલી. મોત્સાર્ટ તેને ના પાડી શક્યો નહિ. આ બાજુ સમાધાન કરવા માટે વ્યાકુળ બનેલા લિયોપોલ્ડે મોત્સાર્ટ અને કૉન્સ્ટાન્ઝેને સાલ્ઝબર્ગ આમંત્ર્યાં. નવજાત પુત્રને વિયેનામાં ધાવ પાસે મૂકીને મોત્સાર્ટ અને કૉન્સ્ટાન્ઝે સાલ્ઝબર્ગ પહોંચ્યાં. અહીં લિયોપોલ્ડને ત્યાં રોજેરોજ સંગીતના જલસા યોજાતા. લિયોપોલ્ડ તરુણોને વાયોલિન વગાડતાં શીખવતો. મોત્સાર્ટ અને કૉન્સ્ટાન્ઝેનો સમય અહીં આનંદમાં વ્યતીત થયો. સાલ્ઝબર્ગમાં જ મોત્સાર્ટનો C માઈનોર માસ (k 427) પહેલી વાર ગાવામાં આવ્યો. કૉન્સ્ટાન્ઝેને અર્પણ થયેલા આ માસમાં ખુદ કૉન્સ્ટાન્ઝેએ એક સોપ્રાનો સોલોઈસ્ટ તરીકે ગાયું. મોત્સાર્ટની કોઈ કૃતિમાં કૉન્સ્ટાન્ઝેએ ગાયું હોય તેવો આ પહેલો અને છેલ્લો કિસ્સો છે. સારી વર્તણૂક ઉપરાંત પોતાની ગાયકી વડે કૉન્સ્ટાન્ઝેએ લિયોપોલ્ડનું દિલ જીતી લીધું.

સાલ્ઝબર્ગથી મોત્સાર્ટ અને કૉન્સ્ટાન્ઝે લિન્ઝ ગયાં. લિન્ઝમાં ધનાઢ્ય થુન-હોહેન્સ્ટીન પરિવારના કાઉન્ટ જોહાન જૉસેફ એન્ટોને નગરના દ્વારે જ આ યુગલનું સ્વાગત કર્યું અને આગ્રહપૂર્વક પોતાની હવેલીમાં લઈ જઈ ઉતારો આપ્યો. મોત્સાર્ટ ખૂબ ખુશમિજાજ હતો. એણે ખૂબ ઉતાવળે ‘લિન્ઝ’ સિમ્ફની લખી. એકવીસ વરસ પહેલાં લિયોપોલ્ડ પોતાનાં બે નાનાં બાળકોને લઈને યુરોપયાત્રાએ નીકળી પડેલો ત્યારે 1762માં આ જ પરિવારની આ જ હવેલીમાં મહેમાન બનેલો. એ વખતે બંને નાનાં બાળકો મોત્સાર્ટ અને નૅનર્લે અહીં સંગીતનો જલસો આપેલો. અત્યારે મોત્સાર્ટ અને કૉન્સ્ટાન્ઝે અહીં લિન્ઝમાં હતાં ત્યારે જ એમનો પહેલો પુત્ર માંડ ત્રણેક મહિનાની ઉંમરે વિયેનામાં અવસાન પામ્યો.