પૃષ્ઠ:Murakhraj ane tena Be Bhaio.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એવો કાટ ચડાવ્યો કે, તે પીતાં જ પેટમાં સખત દરદ થાય. પછી તેની જમીન સૂકવીને પથરા જેવી કઠણ કરી નાખી, જેથી કોદાળીના ઘા કરતાં તેના હાથ પણ ખડી જાય. આટલું કર્યા પછી મારે ઉમેદ એવી હતી કે મૂર્ખો ખેડી નહીં શકે. પણ તેણે તો ખેડવાનું અને ચાસ પાડવાનું છોડ્યું જ નહીં. પેટમાં ઘણુંયે દરદ થાય, છતાં મૂર્ખો હળ છોડે જ નહીં. એટલે મેં તેનું હળ ભાંગ્યું, મૂર્ખો તો ઘેર દોડી ગયો, બીજું હળ લાવ્યો અને વળી ખેડ શરૂ કરી. એટાલે હું જમીન નીચે પેઠો, હળના દાંતા ઝાલ્યા. મૂર્ખાએ તો દાંત કચડીને, વાંકા વાળીને એટલું તો જોર કર્યું કે મારા હાથ પણ કપાઈ ગયા. તેણે તો લગભગ આખું ખેતર ખેડી કાઢ્યું છે. માત્ર એક નાનકડો ચાસ બાકી છે. હવે તો તમે બેઉ મારી મદદે આવો અને આપણે મૂર્ખાને પછાડીએ તો ઠીક, નહીં તો આપણી બધી મહેનત ફોકટમાં જશે. મૂર્ખો જો ખેતરમાં મચ્યો રહેશે તો તેઓમાં ખરેખરો ભૂખમરો દાખલ નહીં જ થાય. તે એકલો પોતાના બન્ને ભાઈનું પોષણ કરશે."

સમશેરબહાદુરવાળો ગુલામ બીજે દહાડે છૂટો થવાની આશા રાખતો હતો. એટલે તેણે તે જ દહાડે મદદ કરવાનું વચન આપ્યું. અને ત્રણે ગુલામ પાછા કામે ચડ્યા.