પૃષ્ઠ:Murakhraj ane tena Be Bhaio.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દહાડાનું કામ રહ્યું છે. તેને હું કેદખાનામાંથી ભગાડી મૂકીશ, એટલે તે તેના બાપને ત્યાં દોડી જશે. આવતી કાલે હું છૂટો થઈશ. એટલે જેને મદદ જોઈએ તે માગજો."

પછી બીજો ગુલમ બોલ્યો : " ધન્વંતરિ મારા દાવમાં ઠીક આવી ગયો છે. મારે કોઈની મદદ નહીં ખપે. ધનભાઈથી અઠવાડિયું થોભાય તેમ લાગતું નથી. પહેલાં તો મેં યુક્તિ કરી કે તે ખાઈપીને ખૂબ હૃષ્ટપૃષ્ટ થાય, અને લોભિયો પણ ખૂબ બને. તેનો લોભ તો એવો વધ્યો કે બધી વસ્તુ પોતાની કરી લેવાનું તેને મન થયું. અખૂટ માલ પોતાની વખારમાં ભરવામાં પોતાનો પૈસો તેણે પાણીની જેમ રેડ્યો છે. હજુય તે ભરતો જાય છે. હવે તો તેને પૈસા ઉછીના લેવા પડે છે. તેનું કરજ તો તેની ઉપર સર્પનો ભારો થઈ પડ્યું છે. તેમાંથી છૂટવાની તે આશા જ ન રાખે. એક અઠવાડીયામાં તેને હૂંડીઓ ભરવી પડશે. તેનો બધો માલ હું સડાવી મૂકીશ. પછી તો તેના બાપને ત્યાં ગયે જ છૂટકો છે."

હવે બંને જણે મૂર્ખાવાળા ગુલામને પૂછ્યું : " કેમ ભાઈબંધ, તારું કામ કેમ ચાલે છે?"

ત્રીજાએ જવાબ દીધો : " મારા કામનું ન પૂછો. હું તો મૂઓ પડ્યો છું. પહેલાં તો મેં મૂર્ખાની છાશને