પૃષ્ઠ:Murakhraj ane tena Be Bhaio.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મનની સાથે નિશ્ચય કર્યો કે પોતાના પંજા કપાય તો ભલે, પણ મૂર્ખાને ઘાસ કાપવા ન જ દેવું.

મૂર્ખો ત્યાં પહોંચ્યો. ઘાસ આછું હતું તો પણ દાતરડું ચલાવતાં બહુ મહેનત પડતી હતી. આથી મૂર્ખો બહુ ગુસ્સે થયો અને પોતાનું બધું જોર વાપરીને દાતરડું ચલાવવા લાગ્યો. ગુલામ પાછો પડ્યો. મૂર્ખાનાં જોર પાસે તેનું કંઈ વળ્યું નહીં. એટલે તે ઝાડીમાં ભરાઈ ગયો. મૂર્ખાએ દાતરડું ઉગામ્યું તે ઝાડીમાં ભરાયું અને ગુલામની અડધી પૂંછડી કપાઈ. મૂર્ખાએ કાપવાનું પૂરું કર્યું. મોંઘીએ ઘાસ એકઠું કર્યું અને મૂર્ખો પોતે બાજરી લણવા ચાલ્યો. પણ અરધ પૂંછડિયો ગુલામ ત્યાં પહેલો પહોંચી ગયો હતો. તેણે બાજરીની એવી હાલત કરી હતી કે મૂર્ખાનું દાતરડું કામમાં જ ન આવે. મુર્ખો ઘેર દોડી જઇને બીજું હથિયાર લાવ્યો અને બાજરી પૂરી કરી નાખી.

મૂર્ખે વિચાર કર્યોઃ "હવે હું બીજા ભાગ ઉપર જાઉં."

અરધ પૂંછડિયાએ આ સાંભળ્યું અને મનમાં બોલી ઊઠ્યોઃ "ઘાસમાં ને બાજરીમાં તો મૂર્ખાને ન પહોંચાયું; હવે જોઉં છું, આમાં શું થાય છે."