પૃષ્ઠ:Murakhraj ane tena Be Bhaio.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મૂર્ખો બોલ્યો:"ભલે , ભલે, તું ગમે ત હોય, તારી પણ એ જ વલે થશે" એમ કહીને મૂર્ખો તેને ગાડીની સાથે અફળાવા જતો હતો તેટલામાં તેણે કહ્યું:"મને તમે જવાદો; હું ફરી નહીં આવું અને તમે જે કહો તે કરું."

મૂર્ખાએ પૂછ્યું:"તું શું કરી શકે છે?"

ગુલામે જવાબ દીધોઃ "તમે કહો તો તેમાંથી હું સિપાઈ બનાવી શકું છું."

મૂર્ખો બોલ્યોઃ "તે મારે શું કામના?"

ગુલામે કહ્યું,"તમે જે ચાહો તે તેની પાસેથી કરાવી શકો છો."

મૂર્ખે પૂછ્યું:"તેઓ ગાઈ શકે?"

ગુલામ કહેઃ "હા."

મૂર્ખે કહ્યું: "ભલે ત્યારે થોડા બનાવ."

ગુલામે પછી કેટલાંક બાજરાનાં ડૂંડાં લીધાં અને પોતાને હાથે પછાડીને જણાવ્યું:"આમ તેને પછાડો અને હુકમ કરો એટલે ડૂંડાંમાંથી સિપાઈ પેદા થશે."

મૂર્ખાએ તેમ કર્યું અને ડૂંડાના સિપાઈ બન્યા. તેઓ એક નગારચી અને શંખ ફૂંકનારો પણ હતા. આને જોઈ મૂર્ખો હસ્યો અને બોલ્યો:"વાહ! આ તો ઠીક છે. છોડીઓ તમાસો જોઈ રાજી થશે."