પૃષ્ઠ:Murakhraj ane tena Be Bhaio.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અરધ પૂંછડિયાએ કહ્યુઃ "હવે મને જવાની પરવાનગી આપો."

મૂર્ખે કહ્યું:"એમ નહીં જવાય. બાજરીના ડૂંડાંના સિપાઈ બનાવું તે મને મોંઘા પડે. મારે તો ઠૂંઠાંના બનાવવા છે. સિપાઈમાંથી પાછાં ડૂંડાં કેમ બનાવવાં એ પણ તારે શીખવાડવું જોઈશે." એટલે અરધ પૂંછડિયાએ સિપાઈનાં ડૂંડાં બનાવવાની રીત પણ શીખવી, અને જવાની રજા માગી.

મૂર્ખાએ તેને રજા આપી, અને અગાઉની જેમ બોલ્યો : "ઈશ્વર તારી સાથે સદાય રહેજો." મૂર્ખાએ ઈશ્વરનું નામ લીધું તેવો જ અરધ પૂછડિયો ગુલામ તેના ભાઈબંધની જેમ જમીનમાં પેસી ગયો અને માત્ર ખાડો જ જોવાનો રહ્યો.

હવે મૂર્ખો ઘેર આવે છે તો તેના ભાઈ ધન્વંતરિ અને તેની વહુને જોયાં.બન્ને વળુ કરતાં હતાં. ધન્વંતરિથી તેનું કરજ ચૂકવી શકાયું નહોતું. લેણદારોની પાસેથી ભાગીને બાપને ઘેર રહેવા આવેલો હતો. મૂર્ખાને જોઇ તેણે કહ્યું : "ભાઈ, હું ધંધો પાછો શરૂ કરી શકું ત્યાં લગી મને અને મારી સ્ત્રીને તારે ત્યાં રહેવા દેજે."

મૂર્ખો બોલ્યોઃ" ભલે સુખેથી રહો."