પૃષ્ઠ:Murakhraj ane tena Be Bhaio.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ધન્વંતરિ પણ સુખે દિવસ ગાળવા લાગ્યો. મૂર્ખાની પાસેથી મળેલા પૈસામાં તેણે વધારો કર્યો. પોતાના રાજનું બંધારણ બાંધ્યું. લોકો ઉપર કર નાખી ખજાનો વધાર્યો. માથાદીઠ વેરો નાખ્યો. ગાડીવાળા પાસેથી તથા જોડ વગેરે વેચનાર પાસેથી કર લીધા. બધા તેની ગરજ ભોગવતા થઇ પડ્યા એટલે તેને પણ એવો વિશ્વાસ બેઠો કે તેવી સ્થિતિ સદાયે કાયમ રહેશે.

મૂર્ખરાજ તો રાજ્યના માલિક બન્યાં છતાં, હતો તેવો રહ્યો. પોતાના સસરાની મરણક્રિયા કરીને પોતાના રાજ્યનો ઝભ્ભો ઉતારીને એક કોરે મૂકી દીધો અને પોતાની પાણકોરાની બંડી અને ઓખાઈ જોડા ફરી ધારણ કર્યાં અને ખેતરમાં કામ કરવાનું ફરી શરૂ કર્યું. પોતાનાં માબાપ અને બહેન મોંઘી તેની સાથે જ રહ્યાં.

લોકો કહેવા લાગ્યા કે, "આપ તો હવે બાદશાહ છો. આપને કામ કરવું ઘટે નહીં."

મૂર્ખે કહ્યું: "ત્યારે શું રાજા ખાય નહીં? અને જો ખાય તો કામ ન કરે?"

જે ધોરણે મૂરખરાજે વહેવાર રાખ્યો તેમાં પૈસાની લેવડ દેવડનો અવકાશ રહ્યો નહીં. તેથી સસરાના વખતના ચોવટિયા અમલદારો આવીને કહેવા લાગ્યાઃ"નામદાર, નોકરોના પગાર આપવાને સારુ ખજાનામાં પૈસા નથી."