પૃષ્ઠ:Murakhraj ane tena Be Bhaio.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પોતાનું રાજ્ય સમશેરને સોંપ્યું. સમશેર બહુ ખુશી થયો. તેનો લોભ વધ્યો, એટલે તેણે વળી બીજા રાજાની ઉપર ચડાઈ કરવાનો મનસૂબો કર્યો.

સમશેરના નવા દારૂગોળાની વાત બધે ફેલાઈ હતી. આ બીજા રાજાએ સમશેરની નકલ કરી. પોતાનાં લશ્કર, દારૂગોળો વગેરે વધાર્યાં. સમશેરના સુધારામાં વળી ઉમેરો પણ પણ કર્યો. તેણે જુવાન મરદોને લડવાની ફરજ પાડી એટલું જ નહીં પણ વગર પરણેલી ઓરતો પાસે પણ સિપાઈગીરું કરાવ્યું. તેણે વળી હવાઈ વહાણો બનાવી તેમાંથી શત્રુઓની ઉપર દારૂગોળો નાખવાની યુક્તિ શોધી કાઢી હતી.

સમશેર પોતાના મદમાં આવા રાજાની સામે લડવા ચાલ્યો. પણ તેનું લશ્કર સામેના લશ્કરને દારૂગોળો અસર કરે એટલે સુધી પહોંચ્યું તે પહેલાં તો શત્રુના લશ્કરની ઓરતો દારૂગોળાનો વરસાદ હવામાંથી વરસાવવા લાગી. સમશેર હાર્યો. જીવ લઈને નાઠો, ને પોતાનું રાજ્ય ખોયું.

સેતાન ફુલાયો. હવે ધન્વંતરિ પાસે પહોંચ્યો. અહીં વેપારીને વેશે આવ્યો.

ધન્વંતરિના રાજ્ય માં પોતે પેઢી ખોલી. લોકોને વધારે દામ આપી તેઓનો માલ ખરીદી લેવા લાગ્યો.