પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
૧૩૯
 


અલ માહાની (મૃ. ઈ.સ. ૮૮૦)

અબુ અબ્દુલ્લાહ મુહમ્મદ ઈબ્ને ઈસા અલ માહાનીનો જન્મ ઈરાનના માહાન પ્રદેશમાં નવમી સદીના પ્રારંભમાં થયો હતો અને અવસાન ઇ.સ. ૮૮૦ થયું.

અલ માહાનીના જીવન વિશે બહુ ઓછી માહિતી મળી છે અને એની રચનાઓ પણ ઘણી ઓછી ઉપલબ્ધ છે. એક ખગોળશાસ્ત્રી તરીકે અલ માહાનીએ ઈ.સ. ૮૫૩ થી ૮૬૬ દરમ્યાન સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણના અવલોકનો લીધા હતા એવી નોંધ મહાન ખગોળશાસ્ત્રી ઈબ્ને યુનુસે એના 'હકીમી કોષ્ટકો'માં કરી છે. અલ માહાનીની એકમાત્ર ઉપલબ્ધ રચના 'મકાલા ફી મારિફત અસ્સમ્ત લિ ઐયસા અરદત વ ફી ઐય મૌદી અરદત' (સ્વૈર સમય અને સ્થળ માટેના દિકકોણના માપન વિશે)માં ગ્રાફની મદદથી અંકગણિતીય ઉકેલ આપેલ છે. ગોલીય ત્રિકોણમિતિમાં એની પદ્ધતિ cosine સુત્રો વાપરવાની હતી, જે રીતે પાછળથી અલબત્તાનીએ અપનાવી હતી.

એલ માહાની પોતાના સમયના ગણિતિક પ્રશ્નોના ઉકેલ માટે ખૂબ મથામણ કરતો હતો. એણે યુકલિડના 'તત્વો', આર્કિમિડીઝના 'ગોળા અને નળાકાર' તથા મેનેલોના Spherica ના વિવેચનો કરી પ્રસિદ્ધી મેળવી હતી. છેલ્લા વિવેચનમાં અલ માહાનીએ ટેકનીકલ ભારેખમ બાબતોને સરળ શબ્દોમાં સમજાવી હતી. આના સુધારા વધારાનું કાર્ય એહમદ ઈબ્ને અબી સઈદ અલ હરવીએ દસમી સદીમાં કર્યું. અલ તુસીએ અલમાહાની અને અલ હરવીના આ કાર્યને 'અમૂલ્ય' ગણાવ્યું હતું અને આનો ઉપયોગ અબુ નસ્ર મન્સૂર બિન ઇરાકે પોતાની આવૃત્તિમાં કર્યો હતો.

અલ માહાનીએ કરેલ યુકલિડના 'તત્વો'ના વિવેચનમાંથી માત્ર પાંચમુ અને દસમું પુસ્તક જ ઉપલબ્ધ છે. ઉમર ખૈયામના મત મુજબ આર્કિમીડીયન પ્રશ્ન ગોળાને સપાટીથી વિભાજન કરી ગુણોત્તરનો ઉકેલ બીજ ગણિતીય સૂત્રથી લાવવાનો પ્રયત્ન કરનાર અલ માહાની સૌ પ્રથમ ગણિતશાસ્ત્રી છે. એણે આ પ્રશ્ન ઘનરૂપમાં x3+a=cx2 તરીકે રજૂ કર્યું હતું. એણે આનાથી વધુ પ્રયત્ન કર્યો ન હતો. આ પ્રશ્ન વર્ષો સુધી એમ જ રહ્યું જયાં સુધી અલખઝિને શંકુચ્છેદ (conic section)ની મદદથી ઉકેલ્યું.