પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
૧૯
 

સાબિતે 'મિત્રાંક' (એમીકેબલ નંબર્સ)નો પ્રમેય શોધ્યો જે યુકલિડ અને નિકોમેકસે પણ એના વિશે વિસ્તૃત ચર્ચા કરી ન હતી. સાબિતે સૂત્રો દ્વારા દર્શાવ્યું કે ૧૭૨૯૬ અને ૧૮૪૧૬ 'મિત્રાંકો' છે.

સાબિતે અંકગણિતીય ક્રિયાઓને ભૌમિતિક સંખ્યાઓના ગુણોત્તર દ્વારા દર્શાવી નવો ચીલો પાડયો હતો. એના મહત્વના કાર્યો ગુણોત્તરની સંરચના ઉપર આધારિત હતા.

સાબિતે પાયથાગોરસના સિદ્ધાંતને મનમાન્યા ત્રિકોણમાં પરિવર્તિત કર્યું હતું. એનાથી પરવલય ઉપરના કાર્યને લીધે આંતરિક કલનની શોધનો પ્રથમ પાયો બન્યો.

સાબિતે ખગોળશાસ્ત્રમાં ગતિ અને આઠમા ગોળા વિશે પણ લખ્યું. ખગોળમાં એના આઠ પ્રબંધગ્રંથો ઉપલબ્ધ છે. આર. માર્લોન “સાબિત ઇબ્ને કુર્રા એન્ડ અરબ એસ્ટ્રોનોમી ઇન ધ નાઈન્થ સેન્યુરી”માં લખે છે “બગદાદમાં નવમી સદીમાં શરૂ થયેલી વૈજ્ઞાનિક ચળવળના સંદર્ભમાં જોતા જણાય છે કે સાબિત ઇબ્ને કુર્રાએ ખગોળશાસ્ત્રને ચોક્કસ વિજ્ઞાન તરીકે વિકસાવવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી હતી કે જે ત્રણ બાબતોથી ચોક્કસ વિજ્ઞાન બન્યું – એક અવલોકન અને સિદ્ધાંત વચ્ચેના સંબંધનું સૈદ્ધાંતિકરણ, બે ખગોળશાસ્ત્રનું ગણિતિકરણ અને ત્રણ ગણિતિક ખગોળશાસ્ત્ર અને ભૌતિકીય ખગોળશાસ્ત્ર વચ્ચેના તનાવપૂર્ણ સંબંધો ઉપર કેન્દ્રીકરણ.”

યંત્રશાસ્ત્રમાં સાબિતે ‘કિતાબ ફિલ કરસ્તુન' (બીમનું સંતુલન) લખી જેનો લેટીન અનુવાદ ક્રેમોનાના જેરાર્ડ કર્યું. આ ગ્રંથ યંત્રશાસ્ત્રમાં ખૂબ લોકપ્રિય થયું. આમાં સાબિતે બીમ ઉપર અલગ અલગ જગ્યાએ આવતા વજનને સંતુલિત કેવી રીતે કરી શકાય એની ચર્ચા કરી છે.

આ ઉપરાંત સાબિતે ફિલસૂફી, તર્કશાસ્ત્ર, મનોવિજ્ઞાન, નીતિશાસ્ત્ર, વિજ્ઞાનના વર્ગીકરણ, રાજકારણ, ધર્મ, સીરીયાક ભાષાના વ્યાકરણ તથા સાબી લોકોના રીવાજો વિશે પણ લખ્યું છે.

સાબિતનો પુત્ર સિનાન ઇબ્ને સાબિત અને પૌત્ર ઇબ્રાહીમ ઇબ્ને સીનાન પણ ગણિતશાસ્ત્રીઓ હતા, પરંતુ તેઓ સાબિત ઇબ્ને કુર્રાની ઊંચાઈ સુધી પહોંચી શક્યા ન હતા.