પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
૩૯
 
અલ મજૂસી, અબુલ હસન અલી ઇબ્ને અબ્બાસ
(મૃ.ઈ.સ. ૯૯૪) ઔષધશાસ્ત્રી, પ્રાકૃતિક વિજ્ઞાની

પશ્ચિમી જગતમાં Haly Abbas તરીકે ઓળખાતા અબુલ હસન અલી ઇન્ને અબ્બાસ અલ મજૂસી દસમી સદીના પ્રથમ ચતુર્થાશમાં ઈરાનના શિરાઝ શહેર પાસે અલ અહવાઝમાં જન્મ્યા હતા. એમણે તબીબીશાસ્ત્રનું જ્ઞાન ‘ફલેબોટોમી’ (લોહીના સેમ્પલ લેવા માટે શિરામાં કરવામાં આવતા છેદ નું શાસ્ત્ર) વિશે ભાષ્ય લખનાર પ્રસિદ્ધ તબીબ અબૂ માહિર મૂસા ઇબ્ને સૈયાર પાસેથી પ્રાપ્ત કર્યું હતું. અલ મજૂસી બૂવાહિદ વંશના રાજા અહદુદદૌલા ફના ખુશરો (મૃ. ઈ.સ. ૯૮૩)ની સેવામાં કાર્યરત રહ્યા અને તબીબીશાસ્ત્રના સારગ્રંથ 'કામિલ અલ સિન્નાહ અલ તિબ્બીયહ' રાજાને અર્પણ કર્યું. તેથી તે ‘કિતાબ અલ માલિકી' તરીકે પણ પ્રસિદ્ધ છે. આમાં એમણે પોતે કેવી રીતે દેશી વનસ્પતિઓને ઔષધીય છોડ તરીકે અભ્યાસ કરી એનો ઉપયોગ કર્યો તથા પ્રાણીઓ અને ખનીજ ઉત્પાદનોનો ઉપચારમાં કેવી રીતે ઉપયોગ કર્યો એનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ગ્રંથનું લેટીનમાં કોન્સ્ટેન્ટીનસ આફ્રીકેનસે (૧૦૮૭) અનુવાદ કર્યું હતું. આનાથી સારૂં અને સંપૂર્ણ અનુવાદ એન્ટીઓકના સ્ટીફને ઈ.સ. ૧૧૨૭માં કર્યું હતું જેનું મુદ્રણ વેનીસમાં ૧૪૯૨ અને ૧૫ર૩માં થયું હતું. પ્રસિદ્ધ અંગ્રેજ કવિ ચૌસરે ‘કેન્ટરબરી ટેલ્સ'માં અલ મજૂસીના આ ગ્રંથનો ઉલ્લેખ કરેલ છે. એમના પૂર્વજો પારસી હતા પરંતુ એ પોતે મુસ્લિમ હતા.

અલ મજૂસીએ પ્લૂરિસી (ફેફસાના આચ્છાદનના સોજા) વિશે આશ્ચર્યજનક રીતે આધુનિક મત મુજબનાં અને ચોકસાઈપૂર્વકના લક્ષણો બતાવ્યાં છે.

અલ મજૂસીએ સૈદ્ધાંતિક ઔષધોની ચર્ચા ત્રણ વિભાગમાં કરી છે. (૧) પ્રાકૃતિક તત્ત્વોનું જ્ઞાન (૨) માનવ સ્વભાવમાં ન હોય તેવી વસ્તુઓનું જ્ઞાન અને (૩) માનવશરીરની બહારની વસ્તુઓનું જ્ઞાન.

અલ મજૂસીએ તંદુરસ્તીની સાચવણી માટે શરીર અને મનની સામાન્ય સ્થિતિઓ જેવી કે ખાવું, પીવું, આરામ કરવું, કામ કરવું, નહાવું અને શારીરિક કસરત જેવા ઉપાયો સૂચવ્યાં છે. એમણે કસરતના ફાયદા વર્ણવવાની સાથે ઊંઘનું મહત્વ પણ દર્શાવ્યું.