પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
 
અલ મજરિતી, અબુલ કાસિમ મુસલમા ઇબ્ને અહમદ અલ
ફરદી (૧૦૦૭), ખગોળશાસ્ત્રી, ગણિતશાસ્ત્ર

સ્પેનના મેડ્રીડ શહેરમાં જન્મેલા, અલ મજરિતી પ્રારંભમાં કોર્ડોવામાં રહ્યા અને ભૂમિતશાસ્ત્રી અબ્દુલ ગાફિર ઇબ્ન મુહમ્મદ પાસે અભ્યાસ કર્યો. અલ મજરિતીએ ઉમૈયા ખલીફા અબ્દુલ રહેમાન તૃતીય (૯૧૨ - ૯૬૧)ના દરબારમાં વિદ્વાનોના જૂથમાં સ્થાન મેળવ્યું હતું. એમણે દરબારના ખગોળશાસ્ત્રી તરીકે પણ સેવાઓ આપી હતી. ઈ.સ. ૯૭૯માં ખગોળીય અવલોકનો કર્યા અને અલ ખ્વારિઝમીના ખગોળીય કોષ્ટકોમાં સુધારાવધારા કર્યો. આ જ અરસામાં ઈખ્વાન અલ સફા માટે ‘રસાઈલ' કે જે સ્પેનીશ ખગોળશાસ્ત્રીઓમાં જાણીતું હતું ની રચના કરી.

અલ મજરિતીના ઘણા શિષ્યો હતા જેમણે ખગોળશાસ્ત્રમાં પોતાનું યોગદાન આપ્યું. આ પ્રસિદ્ધ શિષ્યોમાં અલ કિરમાણી અબૂલ કાસિમ અસ્બાઘ, અબૂલ કાસિમ એહમદ ઇબ્ને સફફારનો સમાવેશ થાય છે. અલ મજરિતી અને એમના શિષ્યોના કાર્યોનો એમના પછીના વૈજ્ઞાનિકો ઉપર ઘણો પ્રભાવ પડ્યો હતો.

અલ મજરિતીએ 'મુઆમલાત’ (ધંધાકીય આંકડાશાસ્ત્ર), તથા એસ્ટ્રોલેબ વિશે પ્રબંધોની રચના કરી હતી. આ ઉપરાંત 'રૂતબાત અલ હકીમ' અલ્કેમી (કીમીયાગરી) વિશે છે જેમાં સૂત્રો, કિંમતી ધાતુઓના શુદ્ધિકરણની રીતો તથા મર્કયુરીક ઑકસાઈડ બનાવવા માટેની રીતનું વર્ણન કરવામાં આવ્યું છે. ગાયત અલ હકીમ (બુદ્ધિશાળીનું લક્ષ્ય)નું સ્પેનિશ ભાષામાં અનુવાદ ૧૨૫૬માં કરવામાં આવ્યું હતું. આમાં જાદુ, કોસ્મોલોજી, જ્યોતિષવિદ્યા, દીક્ષાબુદ્ધિ તથા અગિયારમી સદીમાં મુસ્લિમ જગતમાં પ્રચલિત અંધશ્રદ્ધાઓ વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ગણિતના અગાંધ જ્ઞાનને લીધે તેમને 'અલ હાસિબ' (ગણિતશાસ્ત્રી) નું બિરૂદ આપવામાં આવ્યું હતું.

તેમણે 'ધંધાકીય આંકડાશાસ્ત્ર' ના પાયાના સિદ્ધાંતો અને રીતો શોધી કાઢી. આ વિશેનું ગ્રંથ "અલમુઆમલાત" ની રચના કરી જેનો યુરોપીયનોએ ખૂબ લાભ લીધો.

અબૂલ કાસીમે પ્રાણીશાસ્ત્રમાં પણ એક ગ્રંથની રચના કરી હતી જેમાં પ્રાણીઓના પ્રકારો, ટેવો, વિશેષતાઓ વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ગ્રંથના ભાષાંતરો પણ યુરોપમાં થયા હતા.

ઈ.સ. ૧૦૦૭માં કોર્ડોવામાં એમનું અવસાન થયું.