પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
 
અલ ઇદ્રીસી

અબૂ અબ્દુલ્લાહ મુહમ્મદ ઈબ્ને અબ્દુલ્લાહ ઈબ્ને ઈદ્રીસ અલ શરીફ અલ ઇદ્રીસી (૧૦૯૯-૧૧૬૬) ભૂગોળશાસ્ત્રી, નકશાશાસ્ત્રી

અલ ઇદ્રીસી પશ્ચિમી જગતમાં Dreses નામે ઓળખાય છે, જેઓ એક સારા ભૂગોળવેત્તા અને નકશાશાસ્ત્રી હતા. કેટલાંક વિદ્વાનો અલ ઇદ્રીસીને મધ્યયુગના મહાન ભૂગોળવેત્તા અને નકશાશાસ્ત્રી તરીકે માને છે. એમણે ઔષધીય છોડવાઓમાં પણ પોતાનું યોગદાન આપ્યું હતું. તેઓ સ્પેનના સેન્ટા સ્યુટામાં જન્મ્યા હતા.

અલ ઈદ્રીસી કોર્ડોવામાં ભણીને ૧૬ વર્ષની ઉમરથી જ બીજા ભૂગોળવેત્તાઓની જેમ ધરતીને ખુંદવા નીકળી પડ્યા અને યુરોપના કેટલાક સ્થળોએ ફરીને માહિતી એકઠી કરી. એ વખતે મુસ્લિમ ભુગોળવેત્તાઓએ પૃથ્વીની સપાટીનું ચોક્કસ માપ શોધી કાઢ્યું હતું અને સમગ્ર જગતના નકશા પણ ઉપલબ્ધ હતા. અલ ઇદ્રીસીએ આ બન્નેને પોતાના જ્ઞાન મુજબ સંયોજિત કર્યા. તેઓ પોતાના જ્ઞાનને કારણે યુરોપીય નાવિકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. કદાચ આ જ પ્રસિદ્ધિને કારણે સીસીલીના નોર્મન રાજા રોજર દ્વિતીય ઈદ્રીસીને ૧૧૪૫માં પોતાના દરબારમાં આવીને રહેવાનું આમંત્રણ આપ્યું અને વિશ્વનો અપટુડેટ નકશા બનાવવાની દરખાસ્ત મૂકી. અહીં આ વાત નોંધવી જોઈએ કે રોજર દ્વિતીયની પહેલાં સીસીલીમાં મુસ્લિમોનું શાસન હતું. આના જ થકી આ જ્ઞાન યુરોપ અને પશ્ચિમી લેટીન જગતમાં પહોંચ્યું. અલ ઇદ્રીસીએ ૪00 કિગ્રાના ચાંદીનો ગોળો બનાવી એની ઉપર ખુબજ ચીવટથી સાત ખંડો, વેપારી માર્ગો, તળાવો, નદીઓ મોટાં શહેરો, મેદાનો અને પર્વતો દર્શાવ્યા. આ ઉપરાંત તેમણે અંતર, લંબાઈ અને ઊંચાઈ પણ દર્શાવી.

અલ ઈદ્રીસીએ ‘નુઝહત અલ મુશ્તાક ફી ઇખ્તીરાક અલ આફાક' (The Delights of him who desires to journey through the climates) ભૂગોળનો વિશ્વકોષ છે જેમાં વિગતવાર નકશા, યુરોપીય દેશોની માહિતી આફ્રિકા અને એશિયાની ભૌગોલિક વિગતો ઉપરાંત સામાજિક, આર્થિક અને રાજકીય પરિસ્થિતિઓનું પણ વર્ણન કર્યું છે.