પૃષ્ઠ:Nalakhyan - Gu - By Premanand.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રૂપ તાંહા કુળ નહીં, કુળ તાંહાં નહીં ચાતુરી ચાલ;
કો સકળ લક્ષણ હોય પૂરણ, તો હું પરણું તત્કાળ.
નારદ ઋષિ તવ ઓચર્યા, એમા ન કીજે ભૂપ;
તારા સરખું નવ મળે, કો શ્યામાનું સ્વરૂપ.
પણ તે કન્યા અલૌકિક છે, વેદ જેહેને વરણે;
તે ઇંદ્રને ઇચ્છે નહીં તો, તું ને કાંહાથી પરણે.
નળ કહે ઓ મહા મુનિ તે, કન્યાનું કોણ નામ;
કવણ રાયની દીકરી ને, કવણ તેહનું ગામ.
નારદ કહે સકળ દેશ મધ્યે, ઉત્તમા વિદર્ભ દેશ;
તાંહાં રાજ્યાસન કરે છે, ભીમક નામ નરેશ.
તેહને ઘેર એક તારુણી, વજ્રાતી નામ નિદાન;
પુણ્યદન અપાર કીધાં, પન પેટે નહીં સંતાન.
એવે સમે એક દમન નામે, આવીઓ તાપસ;
આતિથ્ય કીધું તેહનું ને, જમાડ્યો ખટ રસ.
ઘણા દિવસની ગઈ ક્ષુધા, ને પામીઓ સંતોષ;
ત્રિકાળ જ્ઞાને જાણીઓ, રાણીનો વંઝા દોષ.
પૂછીને ત્યાં ખરૂં કીધું, નિશ્ચે નહિ સંતાન;
કરુણા આણી આપિયું, રાય રાણીને વરદાન.
ત્રણ પુત્ર ને એક પુત્રી, હશે રૂપના ધામ;
એંધાણી રાખજે એટલી, જે માહારે નામે નામ.
એહેવું કહીને ઋષિજી, પામીઆ અંતરધાન;
કેટલે દિવસે રાણીને પછે, આવીઆં સંતાન.
દમના દંતુ દુર્દમન, દમયંતી નામ જ ધર્યા;
હર્ષ પામ્યો ભૂપતિ, બાળક ચારે ઉછર્યા.
દમયંતી જે દીકરી તે, મુખે વરણી ન જાય;
અંગ તની તો ઉપમા, નળ કશીએ ન અપાય.