પૃષ્ઠ:Nari Pratishtha.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નારી પ્રતિષ્ઠા
૧૩
 

જાણવો એ જરૂરનું છે તો ભાષાજ્ઞાન, તથા ગણિત, અને ઇતિહાસ તથા તે સર્વ કરતાં શાસ્ત્રજ્ઞાન (Science) એ ઘણાં જરૂરનાં છે. વળી આસપાસના વિશ્વચમત્કાર સમજવા અને તે ઉપર વિચાર કરી, પોતે તે જ્ઞાનનો ઉપયોગ કરી બીજાને ઉપયોગ કરાવવો એ પણ આ ઠેકાણે જરૂરનું છે. ને આટલા માટે ભૂતલવિદ્યા(physical geography)નું જ્ઞાન પણ આવશ્યક છે. ધર્મજ્ઞાન, વ્યવહારજ્ઞાન, અને કર્મજ્ઞાન અથવા જેથી ઉપજીવિકા સિદ્ધ થાય તે વિષયનું જ્ઞાન એ ત્રણ મળી કેળવણીનો વિષય પૂરો થાય છે. ઉપયોગ પક્ષે જોતાં કર્મજ્ઞાન પછી વ્યવહારજ્ઞાન ને પછી ધર્મજ્ઞાન એમ જોઈએ; પણ એ ત્રણના મુખ્ય અને ગૌણ ભાવ તરફ જોતાં ધર્મનો નિર્ણય થાય તો જ વ્યવહાર સારો થાય, વ્યવહાર સારો તો જ કર્મ શુદ્ધ.

પ્રથમ કર્મ : – સ્ત્રી જાતિને પોતાનું પોષણ કરવાની મુખ્ય ગરજ નથી; પણ વૈધવ્ય વગેરે પ્રસંગોમાં તે જરૂર પડે ખરી. તથાપિ તેણે જે સામાન્ય પક્ષે કર્મજ્ઞાન મેળવ્યું હશે તે જ તેના ધર્મજ્ઞાનના બલથી તેને પૂરતી ઉપજીવિકા મેળવી આપશે. આટલા સારુ સમર્થ પુરુષ વ્યાપાર–વેપાર, વેપારને લગતું યંત્ર શાસ્ત્ર વગેરે - સ્ત્રીઓએ મુખ્ય રીતે શીખવાં જ એ આવશ્યક નથી.

બીજો વ્યવહાર : જે મહાવૃત્તિ–પ્રેમ–ના અભાવે અનેક જાતનાં દુઃખ ઉત્પન્ન થાય છે તે પ્રબળ કરવા ઉપર સર્વથા લક્ષ હોવું જોઈએ, ને તેની સાથે જ શાસ્ત્રનું (science) જ્ઞાન એવું આપવું કે જેથી કરીને ઊછરતી સ્ત્રીઓ પોતાનાં સર્વ કર્તવ્યમાં સુખથી પ્રવૃત્તિ કરી શકે, કેવલ વાચન લેખન એ કેળવણી નથી. મરી જતાં બાળકની હેડકીઓ ગણતી યુવતીને, પુત્રના વ્યસનથી બળીને ક્ષીણ થતી માતાને, કે પુત્રીની હઠીલાઈથી થતા જમાઈના ત્રાસથી ખેદ પામતી ડોસીને સાતમી ચોપડી વાંચવાથી કે હિંદુસ્તાનના પાદશાહનાં નામની માળા ફેરવવાથી થોડો જ લાભ થવાનો છે. પોતાનું શરીર એ શાનું બનેલું છે ને કેમ ચાલે છે (physiolgy), અને તે કેમ સચવાય છે (medicine) તે સમજ્યા વિના કોઈ પણ સ્ત્રી બાલકને કેમ ઉછેરી શકવાની ? અમુક ટેવ કેમ પડે છે કે અમુક વૃત્તિ કેમ દોડી જાય છે તે (psychology) જાણ્યા વિના પોતાના બાલકને વારંવાર ‘હાઉ' બતાવીને ત્રાસ પાડનારી, અથવા, કેવલ હાથના બલથી જ નીતિમાં પકડી રાખનારી, માતા બાલકના અંત:કરણને શી હાનિ કે લાભ કરે છે તે કેમ સમજાશે ? પોતાના મન ઉપર કબજો ન રાખતાં, તેમજ વ્યય કરવામાં યોગ્યતા