પૃષ્ઠ:Narmad Lekhan.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

(સુધારાવાળા કેહેવાય છે.) તેઓએ એકદમ બાહાર પદવું ને એમ કીધાથી ઘરડાં માબાપો, સગાંવ્હાલાં અને ન્યાતિલાઓ ભાવે અથવા કભાવે પાછાં એકઠાં થશે જ. ફરી ફરીને આવ વકહ્ત થોડા જ આવશે. માટે આ ટાણે માહરા ખરા ભક્તોએ બાહર પડવું.

કેટલાએક સુધારાવાળાઓ માંહોમાં જાતિભેદ કંઇ જ રાખતા નથી. ને પોતાની ન્યાતને એ વાતની જાન ન કરી છુપા ગુન્હા કરે છે, હવે એ ગુન્હા કરવા કરતાં લોકને ખરેખરું દેખડાવવું એ કેવું સારું! જો સઘળા મિત્રો એવીરીતે એકદમ મળી જુદા પડતા હોય તો પોતાનું જોર કેટલું બધું વધારે, પોતે કેટલા સુખી થાય, કેટલો જશ મેળવે, કેટલો પરમાર્થ અક્રે, અને કેટલાં માનને લાયક થાય ?

આ પ્રસંગે એક ૧૦૦ જણા હિમત ધરે તો બીજે દહાડે તેઓની સંખ્યા દસગણી થયા વગર રહે જ નહીં. જુદાં ન પડવાના બે સબબ મ્હોટા દેખાય છે - એક તો ગુજરાનના વાંધા પડે તે અને બીજો શુભાશુભ કારજ સમયે અડચણ પડે તે. જેઓ હાલ એમ કરવાને લાયક છે તેઓને આ બે વાતની અડચણ પડે તેમ નથી. તેઓ તો ઉલટા વધારે સુખી થશે ને બીજાઓને સુખી કરશે કેમકે જેઓ એ કામને લાયક છે તેઓ મ્હોટી પદવી ધરાવનારા, પૈસાદાર અને વગવસલીવાળા છે, અરે પેલી પરમહંસસભા ક્યાં સુઈ ગઈછ ? પંદર પંદર વરસ થયાં ઊંઘ્યા કરે છે એ તે શું ? એના બ્હીકણ ઉત્પન કરનારાઓને કંઈ શરમ નથી આવતી ? બુદ્ધિ વર્ધક પોતાનાં છોકરાંઓને બ્હીકણ ને બાયલાં જ કીધાંછ? જ્યારે સુધારાવાળાઓની મૂળ મતલબ (પછી ઘણીવારે) જુદાં પડવાની છે તો પણ જ્યારે બની શકે છે ત્યારે હમણાં કાં નથી પડતા ? જો મંગળદાસ નથુભાઈ અને ગોકળદાસ તેજપાળ તથા લખમીદાસ ખીમજી બાહાર પડે તો ઓહો ! તેઓની સાથે કેટલા સામેલ રેહે ! દાદોબા અને આતમારામ પાંડુરંગ, રામ બાળકૃષ્ણ, બાલાજી પાંડુરંગ અને ભાઈદાજી મેદાન પડે તો તેઓની સામાં કિયો શર્તુ ટકી શકનાર છ ? પરમહંસ સભાના અંગીઓ અને બુદ્ધિવર્ધક સભાના અંગીઓ ગંગાદાસ કીશોરદાસ, કાંહાંનદાસ મંછારામ, નાહાનાભાઈ હરીદાસ, કરસનદાસ માધવદાસ, માણેકલાલ તથા દેવીદાસ પરસોતમદાસ, નારાણદાસ કલ્યાણદાસ, ડાક્તર ધીરજરામ દલપતરામ, વગેરે જુવાનીઆઓ બહાર પડે તો શું તેઓનાં સગાંઓ સામેલ ન થાય ? ને કદાપિ ન થયાં તો તેઓનો વ્યવહાર શું અટકી પડવાનો પેલો ગુજરાતનો સુધારો કરનાર ન્યાતિનિબંધનો લખનાર કવિ દલપતરામ ડાહ્યાભાઇ, પુનર્વિવાહવાળો નર્મદાશંકર અને સત્યપ્રકાશવાળો કરસનદાસ મુળજી એઓ, પોતાના સામ , દામ, ભેદ, અને દંડ ઉપાયથી શું નહીં કરી શકે ?