પૃષ્ઠ:Navnit.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
નવનીત
 

આવજો.

પછી સરદારને શું જોઈએ ? ભાઈ તો એવા ફુલાયા કે ન પૂછો વાત! બસ, મહારાજને ત્યાં તો એવા ઠાઠથી જવું કે સભા આખી જોઈ જ રહે.

નોબતનગારા તૈયાર કીધાં. હાથીઘોડા તૈયાર કીધા. રસાલા ને લાવલશ્કર બધું ભેગું કર્યું. મહારાજાને કહાવ્યું: આપ બીજાઓના તો નોબતનગારા બંધ કરાવો છો. પણ હું તો તેની સાથેજ આવીશ; માટે રજા આપશો. મહારાજે રજા આપી.

એક તો કદમ સાહેબ ઠાઠમાઠના શોખીન ને વળી આ તો મહારાજ પાસે જવાનું ! એમણે તો પોતાના બધા સિપાઈઓને સોનારૂપાનાં કડાં પહેરાવ્યાં. પગમાં તોડા આપ્યા. ઘોડાઓને પણ શણગાર્યા. ભાલાતલવારને પણ ફુમતાં લગાવ્યાં. કંઇ ઠાઠ, કંઇ ઠાઠ !

પોતે પણ ખબ ઘરેણાં લગાવી દીધાં ને જામાપાંઘડી લગાવી ધડાકધૂમ ધડાકધૂમ કરતા ચાલ્યા.