પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. પ્રેમકુમાર સહગલ
૯૩
 

ઇન્ડિયન મિલિટરી એકેડેમીનો અભ્યાસક્રમ પૂરો કર્યા પછી તેમને હિંદના ખુશ્કી દળના કેપ્ટન તરીકે નીમવામાં આવ્યા. એક વર્ષની વધુ તાલીમ પછી શ્રી. સહગલને બ્રિટિશ દળની પાંચમી બલુચ રેજીમેન્ટમાં મૂકવામાં આવ્યા.

વિશ્વયુદ્ધ ભયાનક બન્યું હતું, યુરોપમાં ફેલાયેલી એની સંહારક જ્વાલાઓ એશિયામાં પણ વ્યાપી જવાનો ભય ઊભો થયો હતો. બ્રિટિશ સામ્રાજ્યને માટે, એ મુશ્કેલ પળો હતી. અને એશિયામાંના સામ્રાજ્યને બચાવવા માટે હિંદમાંથી લશ્કરો ત્યાં ખડકાઈ રહ્યાં હતાં.

એક દિવસ શ્રી. સહગલને તાકીદનો ઓર્ડર મળ્યો. તમને બીજી બલુચ રેજીમેન્ટના કમાન્ડર નીમવામાં આવે છે અને તમારે સીંગાપોર જવાને ઉપડી જવું. ૧૯૪૦ માં શ્રી. સહગલ પોતાની ટુકડી સાથે સીંગાપોર પહોંચી ગયા. પૂર્વ એશિયામાં જાપાન સજ્જ થઈને ઘા કરવાની તૈયારીમાં હતું. અમેરિકા ગયેલા જાપાની પ્રતિનિધિઓ વાટાધાટ ચલાવી રહ્યા હતા. જાપાન યુદ્ધમાં ઉતરવાની હરેક સંભાવના હોવા છતાં પણ સામાન્ય ખ્યાલ એવો હતો કે હજી તો મંત્રણાઓ ચાલે છે એટલે જાપાન ત્યાં સુધી તે થોભશે, પણ જાપાનને હવે વધુ વખત થોભવું પરવડે તેમ ન હતું અને એકાએક પર્લ હાર્બર પર હુમલો કર્યો. બ્રિટનના પ્રિન્સ ઑફ વેલ્સ અને રીપલ્સ નામના જંગી જહાજોને જળસમાધિ દીધી અને તરત જ બ્રિટીશ હકુમતો તળેના પ્રદેશો પર વ્યવસ્થિત આક્રમણ શરૂ થયાં. મલાયા પર જાપાને ભીંસ દીધી. ત્યારે મલાયાના કોટભાકુ બંદરના બચાવનું કાર્ય શ્રી. સહગલને સુપ્રત થયું હતું. કોટભાકુ બંદર–હવાઈ મથક પણ હતું, એટલે તેના રક્ષણ માટે બેવડી તૈયારી કરવાની હતી. શ્રી. સહગલે આક્રમણ સામે રક્ષણાત્મક