પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. પ્રેમકુમાર સહેગલ
૯૫
 

સીંગાપોર, પૂર્વનો દરવાજો, બ્રિટિશ સામ્રાજ્યના તાજનું અણમોલ મોતી. એના રક્ષણ માટે જંગી તૈયારીઓ થઈ હતી. ગમે તેવી તાકાત સામે સીંગાપોરને ટકાવી રાખવાની એ તૈયારીઓ હતી, એની ધરતીને માથે મોટી તોપો ગોઠવવામાં આવી હતી. જગત આખાને વિશ્વાસપૂર્વક કહેવામાં આવતું હતું કે સીંગાપાર તો અણનમ રહેશે જ. પીછેહઠ કરતાં લશ્કરોને પણ એવો જ વિશ્વાસ હતો. સીંગાપુરમાં તેઓ એવું યુદ્ધ આપશે કે જાપાનના દાંત ખાટા થઈ જશે.

સહગલને સીંગાપોરના ફરતા મથકનો હવાલો અપાયો, પણ જાપાન જ્યારે સીંગાપોર પર ત્રાટક્યું, ત્યારે એ બધી તૈયારીઓ જાણે ગંજીફાનાં પાનાંના મહેલની માફક તૂટી પડી, સહગલે મર્દાનગીભર્યો સામનો કર્યો. સામનો કરતાં કરતાં પોતાના સાથીઓથી તે એક એ વખત વિખૂટા પડી ગયા, પણ હિંમતથી, દુશ્મન વચ્ચે થઈને પોતાના સાથીઓને જઈ મળ્યા.

સીંગાપોર પડ્યું. એના રક્ષણહારોએ હથિયારો હેઠાં મૂક્યાં અને એક દિવસે બ્રિટિશ સેનાપતિએ, હિંદી સૈન્યોનો હવાલો, જાપાની પ્રતિનિધી કુજીવારાને સુપ્રત કર્યો. એક ધણી એમ પોતાની માલિકીના ઢોર, બીજા ધણીને સુપ્રત કરે ત્યારે એ ઢોરને ઈસારામાં કહે કે હવે તારા આ નવા માલિકને વફાદાર રહેજે. એવી રીતે બ્રિટીશ સેનાપતિએ આ હિંદી સૈનિકોને સંબોધીને કહ્યું કે, ‘અત્યાર સુધી તમે જેમ અમને વફાદાર રહ્યા છો. તેવી જ રીતે હવે જાપાની સેનાપતિને વફાદાર રહેજો અને તેમના હુકમનું પાલન કરજો.’

સહગલની બુદ્ધિ આ દૃશ્ય જોઈને મુંઝાઈ ગઈ.

એના દિલમાં પ્રશ્ન ઉઠ્યો. જે રાજા પ્રત્યેની વફાદારીની મેં પ્રતિજ્ઞા લીધી હતી, એ વફાદારી હવે ક્યાં સુધી ઊભી રહે