પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. પ્રેમકુમાર સહગલ
૯૭
 

સાથીદારોએ જોયા ત્યારે તેની સાથે ચર્ચા કરવાની તક, મોહનસિંહે મેળવી આપી અને સહગલે પોતાના સાથીદારો સાથે છાવણીમાં, એ પ્રશ્નની નવેસરથી ચર્ચા કરવા માંડી. સહગલના દિલમાં જે વસવસો હતો તે તેણે પોતાના સાથીઓ સમક્ષ સ્પષ્ટતાથી મૂક્યો. સાથીઓ એ સમજતા હતા. પણ તેમણે સહગલને સમજાવ્યું કે, બ્રિટિશ સામ્રાજ્ય હવે હિંદનું રક્ષણ કરી શકે એમ માની શકાય તેમ નથી. જાપાન જે ઝડપથી આગળ વધી રહ્યું છે, એ જોતાં એને હિંદ પર ત્રાટકતા વાર નહિ લાગે અને હિંદમાં તો રક્ષણાત્મક તૈયારીઓને નામે મોટું મીંડુ છે. એ સ્થિતિમાં જો આપણી આઝાદ ફોજ જાપાનની મદદથી હિંદ પર જાય તો, હિંદની સત્તા હિંદીઓના હાથમાં જ રહે, અને જાપાનની ગમે તેવી બુરી દાનત હોય તે પણ તેનો સામનો થઈ શકે.

સહગલને ગળે આ દલીલો ઉતરી અને તેણે પોતાના સાથીદારો સાથે જ આઝાદ હિંદ ફોજમાં સામેલ થવાનો નિર્ણય કર્યો. આ નિર્ણય જ્યારે હિંદી સૈનિકોએ જાણ્યો ત્યારે એમના આનંદની સીમા ન રહી, તેમની સાથે જ શાહનવાઝખાન અને ધીલોન પણ જોડાયા.

સહગલની તેજસ્વી બુદ્ધિ, વ્યવસ્થા શક્તિને કારણે તેમને યુદ્ધમંત્રીનો જવાબદારીભર્યો હોદ્દો સુપ્રત થયો.

કિન્તુ સહગલના દિલમાં જે શંકાઓ હતી, એ શંકાઓ સાબુત પૂરવાર થઈ અને કર્નલ મોહનસિંહ અને જાપાની લશ્કરી સત્તાવાળાઓ વચ્ચે અથડામણ ઉભી થઈ એના પરિણામે આઝાદ ફોજનું વિસર્જન થયું અને મોહનસિંહને ગીરફતાર કરવામાં આવ્યા.

નિરાશાનું વાતાવરણ ચોમેર છવાઈ રહ્યું હતું, ત્યાં નેતાજીના આગમને, ફરીને થંભેલા પ્રગતિનાં પૂર વ્હેતાં થયાં. આાઝાદ હિંદ ફોજની નવેસરથી રચના કરવામાં આવી. ત્યારે પણ