પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


[૧]

સ્વ. રાસબિહારી ઘોષ


[આઝાદ હિંદ સરકારના સર્વોચ્ચ સલાહકાર]


‘ધીરજ ધરો, મોહનસિંહ ! ભવિષ્યમાં આપણે જે મહાન જંગ ખેલવાનો છે તેની આ તો શરૂઆત છે. આકરા અને ઉતાવળા થવાની જરૂર નથી. જાપાન પ્રત્યે અવિશ્વાસ રાખવાની પણ જરૂર નથી. ભવિષ્ય હું જોઈ રહ્યો છું કે જાપાનની સહાયથી જ, આપણી માતૃભૂમિને ગુલામીની શૃંખલામાંથી છોડાવવા માટેનો જંગ આપણે ખેલવાના છે. એવા નેતાની હું પ્રતીક્ષા કરી રહ્યો છું કે જે હિંદી પ્રજાની તાકાત અને ઉત્સાહ અને જાપાનના શસ્ત્રોનો સુયોગ્ય સાધીને આપણને દોરવણી આપે.”

નેતાજીનું પૂર્વ એશિયામાં આગમન થયુ, તે પહેલાંની એ વાત છે. સિંગાપોરના પતન પછી, બ્રિટિશ સેનાપતિએ જાપાનને હવાલે કરેલા હિંદી સૈનિકોને જાપાનના સેનાપતિએ સ્વતંત્ર માનવી તરીકે સ્વીકાર્યાં અને હિંદની આઝાદીની લડત લડવા માટે, હિંદીઓની ફોજ ઊભી કરવાની સૂચના આપી. એ માટે કર્નલ મોહનસિંહને કામગીરી સુપ્રત કરવામાં આવી. કર્નલ