પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નેતાજીના સાથીદારો
 


સંગઠ્ઠીત છે, જાગ્રત છે અને આઝાદીની પ્રાપ્તિ અર્થે બલિદાનો આપવાને તૈયાર છે.

અને તેમણે બર્લિનમાં રહેતા શ્રી. સુભાષબાબુ પર સંદેશો મોકલ્યો: ‘પૂર્વ એશિયામાંના ત્રીસ લાખ જેટલા હિંદીઓ આપના નેતૃત્વની રાહ જુએ છે. આપ અહીં પધારો. અમારું આાપને હાર્દિક નિમંત્રણ છે.’

શ્રી. સુભાષબાબુ વિષે સ્વ. રાસબિહારી ઘોષને ભારે માન હતું. તેમની શક્તિમાં અપાર વિશ્વાસ હતો અને જે રીતે તેઓ હિંદમાંથી છટકી આવ્યા હતા, તેનો વિચાર કરતાં વર્ષો પહેલાં તેઓ જાતે હિંદમાંથી છટકી આવ્યા હતા તે આખોય પ્રસંગ તેમની દૃષ્ટિ સમક્ષ તરવરતો હતો.

કર્નલ મોહનસિંહ તો હવે વિશ્વાસ મૂકવાને તૈયાર નહતા. રાસબિહારી ઘોષે બેંગકોક પરિષદમાં એવી જાહેરાત કરી કે પૂર્વ એશિયાના હિંદીઓનું નેતૃત્વ સ્વીકારવાને, સુભાષબાબુ બર્લિનથી આવી રહ્યા છે ત્યારે પૂર્વ એશિયાનાં ત્રીસ લાખ પ્રજાજનોનાં હૃદય આનંદ હિલ્લોળે ઉછળવા લાગ્યાં. માત્ર કર્નલ મોહનસિંહ પરિસ્થિતિથી અળગા રહેતા. મુખ્યત્વે જાપાનિઝો પ્રત્યેનો અવિશ્વાસ જ એને માટે જવાબદાર હતો.

સ્વ. રાસબિહારી ઘોષના નામથી કયો હિંદી અપરિચિત હશે? હિંદ જ્યારે ગુલામીનાં બંધનમાંથી છુટવાનો પહેલો પ્રયાસ કરવાને સહજ સળવળતું હતું ત્યારે જે યુવાનોએ મસ્તક હાથમાં લઈને સરકાર સામે શસ્ત્રો અને દારૂગોળાથી જંગ ખેલ્યો અને મૃત્યુને ભેટ્યા, સ્વેચ્છાએ શહિદી સ્વીકારીને ફાંસીને માંચડે લટક્યા, એ યુવાનોને આજે યાદ કરતાં, સ્વ. રાસબિહારી ઘોષનું નામ યાદ આવી જાય છે.

હિંદમાં જ્યારે ક્રાન્તિકારી ચળવળનાં મૂળ નંખાતાં હતાં અને હિંદી જુવાનો દેશમાંથી પરદેશી સરકારને હાંકી કાઢવા માટે જાનફેસાની કરી રહ્યા હતા, ત્યારે આ સદીના એ દશકામાં