પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્વ. રાસબિહારી ઘોષ
 


થયેલા ક્રાન્તિકારી જુવાનીમાંના એક રાસબિહારી ઘોષ છેઃ ત્યારે અહિંસાનો માર્ગ દેશના અધીરા બનેલા જુવાનો સમક્ષ ન હતો; જુવાનો બોંબ બનાવવાના અને સરકારી અમલદારો તેમ જ ગોરાઓને બોંબ કે રિવોલ્વરથી જાન લેવાનો અને એ રીતે ગોરાઓને ત્રાહિમામ્ ત્રાહિમામ્ પોકરાવીને હિંદમાંથી હાંકી કાઢવાનો માર્ગ અખત્યાર કરી બેઠા હતા. આ બધી પ્રવૃત્તિઓનું ગુપ્તપણે સંચાલન થતું. જુવાનો મળતા ગુપ્તપણે અને વ્યવસ્થિત યોજના તૈયાર કરીને, યોજનાને અમલમાં મૂકવાને વિખરાઈ જતા.

બંગાળ અને પંજાબ એ વખતે ક્રાન્તિકારી ચળવળના મુખ્ય થાણાં હતાં: પોલિસ પણ એની સામે ભારે તકેદારી રાખતી. આમ છતાં પણ સત્તાવાળાઓને થાપ આપીને, આ મરજીવા ક્રાન્તિકારીઓ ઘૂમતા. તેઓ પોતાની સાથે હંમેશા જરૂર પડે આપઘાત કરવાની તૈયારી રાખતા. એટલે પોતાની ગીરફતારીથી પોતાના સાથીદારોને મુશ્કેલીમાં મૂકાવું ન પડે, એની તકેદારી રાખતા હતા.

૧૯૧૩નો એ જમાનો હતો. બ્રિટિશ રાજ્ય અમલ સ્થીર થતો જતો હતો. ન્યુ દિલ્હીમાં એ વખતના વાઈસરૉય લૉર્ડ હાર્ડીઝનું સરઘસ શાહી દોરદમામથી રાજમાર્ગે પરથી પસાર થઈ રહ્યું છે ત્યાં એકાએક બોંબનો ધડાકો થાય છે. લોર્ડ હાર્ડીઝનો પ્રાણ લેવાનો પ્રયાસ થાય છે. પણ એ પ્રયાસ નાકામયાબ બને છે. દેશભરમાં એક જબર સનસનાટી મચી રહે છે અને એ અંગે કેટલાય નિર્દોષ પર સીતમની ઝડીઓ વરસી રહે છે.

આ કાવત્રામાં રાસબિહારી ઘોષનું નામ જાહેર થાય છે અને તેમને શોધવાને સરકારી ચક્રો ગતિમાન બને છે. ‘ધરતી ફોડીને પાતાળમાંથી પણ રાસબિહારીને શોધી કાઢો.’ એવાં તાકીદનાં ફરમાનો છૂટ્યાં છે અને શિકારી કૂતરાની માફક સરકારી ગુપ્તચરો ઘૂમી રહ્યા છે, પણ રાસબિહારી ઘોષ એને થાપ આપતા રહ્યા છે.