પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨
નેતાજીના સાથીદારો
 


જાપાનમાં રહીને હિંદી તરીકેની ઉજ્જ્વલ નામના કમાવી છે. હિંદીઓની સાહસિકતા, હિંદીઓની હિંમત અને હિંદીઓની ચમકતી બુદ્ધિનો જગતને પરિચય આપવો છે. દિવસો થયા એ આથડે છે પણ એને પગ મૂકવાની ક્યાંય જગ્યા નથી, દિવસો થયા એ કોબેના રાજમાર્ગો અને શેરીઓમાં ઘૂમી રહ્યો છે. કેટલાય જાપાનીઓને મળે છે પણ એને ઊભવાને કાઈ સ્થાન મળતું નથી. હર્ષભર્યો આવકાર આપનારા બે બોલ એને સાંભળવા મળતા નથી.

આમ છતાં નિરાશાની એક પણ રેખા એના વદન પર ઉપસી આવી નથી. ઉત્સાહ ઓછો થયો નથી. પાસે જે ધન હતું તે પણ હવે ખૂટી જવા આવ્યું છે. આર્થિક તંગીની ભીંસ એને ભાસી રહી છે. છતાં એના મુખ પરનું સ્મિત હજીય ફરક્યા જ કરે છે.

રઝળપાટ અને રખડપાટને અંતે એક હિંદીનો એને ભેટો થાય છે. પોતાના દેશના વતનીને જોઇને એ આશ્ચર્ય અનુભવે છે. એને પોતાની પાસે બોલાવે છે એની પીઠ થાબડે છે અને એને સલાહ આપે છે. ‘જુવાન તું પાછો ફર’ જુવાનને એ સલાહ રુચતી નથી. એનો નિશ્ચય એવા ને એવો જ છે.

‘મહેરબાની કરીને મને પાછા ફરવાની સલાહ ન આપો,’ જુવાને મક્કમતાથી જવાબ દીધો, ‘જ્યાં સુધી હું અહીં સ્થીર ન થાઉં ત્યાં સુધી હું કદિ પાછો ફરનાર નથી.’

‘જુવાન ! હેરતભરી આંખે એ હિંદી આ જુવાનને નીરખી રહે છે અને બોલે છે, તારી હિંમત અજબ છે, તારી ધીરજ પણ અખૂટ છે. પણ જાપાનમાં હિંદીઓને સ્થીર થવું ઘણું મુશ્કેલ છે.’