પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪
નેતાજીના સાથીદારો
 


દિલમાં પોતાની માતૃભૂમિની વેદનાના ડંખ એવા જોસથી વાગ્યા હતા કે એની વેદના એ હજી ભૂલી શકે તેમ નહતું, પણુ જ્યારે દેશભરમાં કોઈ કાર્ય કરી શકાય એમ નથી, એવું તેમણે જોયું ત્યારે તેમણે પરદેશમાં જઈને ત્યાં એવા કોઇ પાઠ શીખવા કે જે મારા દેશને ઉપયોગી થઈ પડે, એવી ભાવના સાથે પરદેશ જવાનો નિશ્ચય કર્યો.

અમેરિકા જવાનો તેમનો ઈરાદો હતો, પણ ત્યાં જવાને માટેનો પાસપોર્ટ ન મળ્યો, એટલે તેમને પોતાનો વિચાર બદલવો પડ્યો અને જાપાન જવાનો નિશ્ચય કર્યો. ૧૯૨૩ની એ સાલ હતી.

સ્વમાનશીલ શ્રી. આનંદમોહને પોતાના પિતા પાસેથી, એ માટે કંઈ પણ સહાય લેવાનો ઈન્કાર કર્યો. એમનું સ્વમાન ઘવાતું હતું. એક મિત્ર પાસેથી માત્ર ૫૦૦ રૂપિયા લઈને જ એમણે જાપાન જવાની તૈયારી કરી. જાપાન જવાને તેઓ વિદાય થયા, ત્યારે માત્ર ઉત્સાહ અને સંકટો બરદાસ કરવાની તમન્ના સિવાય કોઈ સાથી ન હતું.

સ્ટીમરમાં ઉપલા વર્ગમાં તો તેઓ મુસાફરી કરી શકે તેમ ન હતું, ડોક પરના ઉતારૂ તરીકે તેમણે પ્રવાસ શરૂ કર્યો, ૨૮ દિવસનો એ પ્રવાસ અતિ કપરો હતો; પણ એ કપરા દિવસો તેમણે હિંમતપૂર્વક વ્યતિત કર્યાં અને તેમના રાજકિય જીવનની ખરેખરી શરૂઆત તો અહીંથી જ થઈ ગણાય.

પ્રવાસ દરમિયાન એ હંમેશાં આકાશ સામે દૃષ્ટિ માંડતા, પણ એની મનોસૃષ્ટિ તો, આકાશના ભિતર ભેદીને પણ આગળને આગળ વધતી. એની સ્વપ્નસૃષ્ટિમાં પોતાના દેશનું ઉજ્વળ ભાવિ ખડું થતું હતું. એ ઉજ્જ્વળ ભાવિ માટે શું કરવુ જોઇએ ? એ