પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આનંદમોહન સહાય
૧૫
 

માટે જાપાન જવું કેટલે યોગ્ય છે? એવા પ્રશ્નો એના દિલમાં ઊઠતા. જાપાનથી તે સાવ અજાણ્યા છે એની પાસે કોઈ ભલામણપત્ર ન હતો કે કોઈ ઓળખીતા પર ચીઠ્ઠી ન હતી. આમ છતાં એના દિલમાં કશો જ તાપ ન હતો. થડકાટ એ અનુભવતો ન હતો.

સાવ અજાણ્યા માનવી તરીકે જ્યારે એણે કોબેની ધરતી પર પગ મૂક્યો ત્યારે સૌથી પહેલો પ્રશ્ન તો ‘ક્યાં જવું ?’ એ જ ઉપસ્થિત થયો; કોબેનો એ સાવ અજાણ્યો હતો અને કોઈને એ જાણતો પણ ન હતો, એની પાસે જે મૂડી હતી તે પણ હવે ખૂટવા આવી હતી.

એણે રોજ રોજ કારખાનાંઓ અને ઑફિસોમાં ધક્કા ખાવા માંડ્યા. કામગીરીની શોધમાં એણે ભગીરથ પુરુષાર્થ આદર્યો; પણ નિષ્ફળતા એની સામે ડોળા ઘૂરકાવતી હતી, એના ઉત્સાહનાં ઉછળતાં મોજાં પાછાં પડતાં હતાં, છતાંય નિરાશા સામે એ લડતો જ હતો.

આફતો સામે લડતાં એ યોદ્ધાને જ્યારે એક હિંદીએ હાથ આપ્યો ત્યારે પોતાના ઉજ્જ્વલ ભાવિની કલ્પના સતેજ થઈ. જાપાનીઓની વિકૃત મનોદશા સામે એ ટટ્ટાર અડીખમ ઊભો રહ્યો અને જાપાનીઓએ તેને આગળ વધવાનો માર્ગ આપ્યો. આમ છતાં જુવાન આનંદમોહન પ્રત્યેના રોષ તો, કોઈ કોઈ જાપાનીઓના હૈયામાં આછો પાતળો ભભુકતો જ હતો; અને જ્યારે એક વખત એ ભયંકર માંદગીના બિછાને પટકાઈ પડ્યો ત્યારે એની સેવા સુશ્રુષા માટે કોઇ મોજૂદ ન હતું. એ હતો જાપાનીઓનો તિરસ્કાર. એ હતો જાપાનીઓનો રોષ; જે હિંદી કુટુંબે એનો હાથ પકડ્યો હતો એ કુટુંબે જ એની સેવા કરી.