પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬
નેતાજીના સાથીદારો
 


હિંદીઓ પ્રત્યેનો, જાપાનીઓનો આા મનોભાવ, જુવાન આનંદમોહનને ખૂંચવા લાગ્યો. જાપાનમાં બ્રિટિશરો હિંદ વિરોધી જે સતત્ પ્રચાર કરી રહ્યા હતા તેનું એ પરિણામ હતું. એક વખત એક સિનેમાગૃહમાં તેણે એક બ્રિટિશ ફિલ્મ જોઈ. એ ફિલ્મમાં જાવાની એક નાનકડી બાળાના હાથમાં બાળક હતું અને તેને હિંદી સ્ત્રી તરીકે ઓળખાવવામાં આવી હતી, જાપાનીઓના દિલ અને દિમાકમાં હિંદી વિરુદ્ધ હળાહળ વિષ રેડવાનો એ પ્રયાસ હતો. એ જોઈ ને જુવાન આનંદમોહન ઉકળી ઊઠ્યા અને બીજે દિવસે કોબેના તમામ અખબારોમાં બ્રિટિશ પ્રચારના એણે ફૂરચા ઉડાવ્યા, પણ એટલેથી જ એ બેસી ન રહ્યો. એણે બ્રિટિશ એલચીની મુલાકાત લીધી.

એની ઝુંબેશના પરિણામે ફિલ્મનો એ ભાગ દૂર થયો. જાપાનમાં રહીને હિંદની પ્રતિષ્ઠાની રખેવાળી કરતાં કરતાં આવી તો કેટલીય લડતો એને લડવી પડી હતી; પરિણામે જાપાનમાં એની ગણના અગ્રણી હિંદીઓમાં થવા લાગી.

જેને સ્વમાનપૂર્વક જીવવું છે, જે સ્વમાનની કિંમત સમજે છે અને તેની રક્ષા માટે જે કિંમત ચૂકવે છે તેનું સ્વમાન સચવાય છે. જાપાનીઓ પણ હવે હિંદીઓને સમજતા થયા, તેમનું સ્વમાન સચવાય તેવી કાળજી રાખતા થયા.

એ દરમિયાન તેઓ રાસબિહારી ઘોષના સંપર્કમાં આવ્યા, અને ધીમે ધીમે તેમની વચ્ચેનો પરિચય પણ વધતા રહ્યો.

ચાર વર્ષના પરિશ્રમ પછી એ જુવાન સિદ્ધિના શીખરે પહોંચ્યો. એ જાપાનમાં સ્થીર થયો. વેપારધંધામાં આગળ વધવા સાથે પ્રતિષ્ઠા પણ પામી શક્યો; અને વિજયશ્રી વરીને એ સ્વદેશ પાછો ફર્યો. હિંદમાં તે શ્રીમતિ ઊર્મિલા દેવીનાં પુત્રી