પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શાહનવાઝખાન
૨૯
 

જાપાની સેનાપતિ વખત ટાળવા માગતો હતો. નેતાજી એ પણ સમજી ગયા હતા અને પોતાના સલાહકારો સાથે આ સંબંધમાં ગંભીર મંત્રણાઓ કર્યા પછી હિંદની સરહદ તરફ કૂચ કરવાનો નિર્ણય લેવાયો. કૂચ અંગેની તૈયારીઓ થવા માંડી, આઝાદ ફોજના મરજીવાઓ શહિદ થવાની ઘડી નજીક આવેલી જોઇને આનંદમગ્ન થયા.

કૂચ માટેનો દિવસ નક્કી થયો. મેજર જનરલ શાહનવાઝના હાથમાં આઝાદ હિંદ સરકારનો ત્રીરંગી ઝડો આપતાં નેતાજીએ ત્યારે ઉપરના શબ્દો ઉચ્ચાર્યાં.

મેજર જનરલ શાહનવાઝખાને એ ઝંડાને સલામી આપી, નેતાજીને સલામી આપી અને હિંદની સરહદ તરફનો માર્ગ લીધો.

આઝાદ હિંદ ફોજના જે ત્રણ અફસરોએ હિંદી પ્રજાનું ધ્યાન ખેચ્યું છે. જેમનો બચાવ કરવા માટે હિંદી પ્રજાએ ભવ્ય પુરુષાર્થ કર્યો છે. જેમની મુક્તિ માટે પ્રબળ આન્દોલનો જગાડ્યાં છે. અને એ આન્દોલનોમાં કેટલાય નિર્દોષોનાં લોહી વહી ગયાં છે. એ ત્રિપુટીમાંના એક મેજર જનરલ શાહનવાઝખાન અગ્રણી છે. નેતાજીના એ અત્યંત વિશ્વાસુ સેનાપતિ મુક્તિ પછી પણ નેતાજી સમક્ષ લીધેલી પ્રતિજ્ઞાનું પુનરુચ્ચારણ કરીને માભોમની આઝાદી માટેનો જંગ ચાલુ રાખી રહ્યા છે. નેતાજીના નેતૃત્વ હેઠળ તેઓ શસ્ત્રોથી લડ્યા. હવે તે મહાસભાની દોરવણી હેઠળ અહિંસક રીતે સંગ્રામ ચાલુ રાખી રહ્યા છે.

મેજર જનરલ શાહનવાઝખાન મુસ્લિમ છે, પણ પ્રથમ હિંદી છે. મુસ્લિમ હોવા છતાં પોતાની માતૃભૂમિ માટેની મુક્તિની લડતમાં મઝહબને તેઓ વચમાં લાવતા નથી. મઝહબ એ વ્યક્તિનો પ્રશ્ન છે. ત્યારે પોતાના દેશની મુક્તિ એ તમામ દેશબાંધવોનો પ્રશ્ન છે.