પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦
નેતાજીના સાથીદારો
 


મેજર જનરલ શાહનવાઝખાનનો પરિચય એટલે વીરત્વનો પરિયય; આજીવન યોદ્ધાનો પરિચય; એમના જીવનના વાણે ને તાણે શૌર્ય વણાયેલું છે. જીવનભર એમણે શસ્ત્રોની મોહબ્બત કરી છે; શસ્ત્રો હાથ ધર્યાં છે. સામ્રાજ્યની રક્ષા ખાતર, સામ્રાજ્યની સલામતીને ખાતર પણ નેતાજીની વાણીએ તેમના જીવનમાં ક્રાન્તિકારી પલ્ટો આણ્યો. અત્યાર સુધી દેશ અને દેશની આઝાદીનો ખ્યાલ પણ જેમના મનને સ્પર્શી શક્યો નથી, હૈયાને સ્પર્શી શક્યો નથી. એવા લડવૈયાને પહેલી જ વાર નેતાજીએ તેમના દેશને ખાતર તેમના દેશની આઝાદી ખાતર, વિચાર કરતા કરી મૂક્યા.

મેજર જનરલ શાહનવાઝ નેતાજીના શબ્દોથી આકર્ષાયા. નેતાજીની વાણીએ તેમના સૂતેલા તારને જાગૃત કર્યા અને તેઓ મન સાથે વિચારતા હતાઃ સાચું શું ? સામ્રાજ્યની ભક્તિ-બ્રિટિશ સરકાર પ્રત્યેની વફાદારી કે દેશની ભક્તિ-દેશ પ્રત્યેની વફાદારી ? દિવસોના મનોમંથન પછી તેમણે નિશ્ચય કર્યો. દેશ પ્રત્યેની વફાદારી, દેશ પ્રત્યેની ભક્તિ એ સર્વશ્રેષ્ઠ છે અને એ ભક્તિ ને વફાદારી માગે છે, આઝાદી માટે સર્વસ્વનું બલિદાન. મેજર જનરલ શાહનવાઝખાને નેતાજીના સાથીદાર તરીકે જોડાવાનો નિશ્ચય કર્યો.

ને એક દિવસે શાહનવાઝે નેતાજી સમક્ષ પોતાનો નિશ્ચય વ્યકત કર્યો. નેતાજીએ એ જવાંમર્દને આવકાર આપ્યો. હિંદની આઝાદીનું પોતાનુ સ્વપ્ન સફળ થવાની તેમની આશા દૃઢ બનતી ગઈ. નેતાજીના એ પ્રિય સાથીદાર બની રહ્યા.

બત્રીસ વર્ષનો એ સશક્ત ઊંચો, ખડતલ, ભવ્ય, કદાવર અને બહાદુર યુવાન, હિંદની આઝાદીને ખાતર પ્રાણની પરવા કર્યા વિના બ્રિટિશ સલ્તનતની તાકાત સામે ઝૂઝ્યો. આઝાદ હિંદ ફોજ પર એણે કીર્તિનો કળશ ચઢાવ્યો.