પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શાહનવાઝખાન
૩૫
 

પોતાના ભાઈ સામે મેદાનમાં લડવાની, જે ખ્વાહિશ હતી તે પૂરી થઈ : પૂરી તાકાતથી, કર્નલ શાહનવાઝે પોતાના ભાઈ સામે મોરચો માંડ્યો. ભાઈ પ્રત્યેની મહોબતના અંકૂરોને દિલમાં જ ડામી દીધા. ભાઈ નહિ પણ, દુશ્મન પ્રત્યે એક વફાદાર સૈનિક જેટલો કઠોર થઈ શકે તેટલી કઠોરતા કર્નલ શાહનવાઝના દિલમાં જાગી હતી.

દિવસો પર દિવસો પસાર થતા ગયા અને બે ભાઈઓ સામ સામા ટકરાતા રહ્યા. ભાઈ ભાઈ વચ્ચેનો સંગ્રામ, આજના યુગમાં અનોખો જ હતો. બન્ને ભાઇઓ શૌર્યમાં પૂરા હતા. બન્ને ભાઈઓની હિંમત અજબ હતી.

બે મહિના થયા, અંતે કર્નલ શાહનવાઝે પોતાના ભાઈને ઘાયલ કર્યો. એ ધાયલ થયેલા ભાઈ પ્રત્યે, એના દિલમાં દયાનો એક અંશ પણ જાગ્યો નહિ અને આઝાદ ફોજ આગળ વધી.

મણિપુરના સીમાડા એણે ઓળંગ્યા; આઝાદ હિંદ ફોજના સૈનિકો મરણિયા હતા, નેતાજીએ એને સ્વયંસેવકોની જે ફોજ કહી હતી તે યથાર્થ હતું. મૃત્યુનો કોઈને ભય નહોતો, કારણ કે એ મરજીવાઓ હતા, ‘દિલ્હી પહેાંચવુ છે’ એ જ નિશ્ચય સાથે ઝૂઝતા હતા.

મરજીવાની આ ફોજને રણમેદાનમાં દોરી જનાર, કર્નલ શાહનવાઝ શુષ્ક ન હતો. સામન્યતઃ લશ્કરમાં શુષ્કતા જ હોય છે. શીસ્તને શુષ્કતાનું નામ અપાઈ ગયું છે, પણ કર્નલ શાહનવાઝ પોતાની ફોજના એકે એક સૈનિકની સંભાળ લેતા, ઘાયલ થયેલાની માવજત કરતા.

એક વખત અતિ શ્રમિત થયેલા સૈનિકને કર્નલ શાહનવાઝે કહ્યું: “લાવ તારો સામાન હું ઉઠાવું; તને આરામ મળશે અને ફૂચ ઝડપી થશે!”