પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



નિવેદન

‘નેતાજીના સાથીદારો’: આ રાષ્ટ્રીય પ્રકાશનથી ‘સદેશ ગ્રંથમાળા’ ની ચોથા વર્ષની મંઝિલ શરૂ કરવામાં આવે છે.

આ કૃતિના લેખક અને ‘સંદેશ’ ના ઉપતંત્રી ભાઈશ્રી પ્રહ્‌લાદ બ્રહ્મભટ્ટે આ પુસ્તકમાં આપેલી પરિચય સામગ્રી ખૂબ જ ઝીણવટથી એકઠી કરી ‘નેતાજીના સાથીદારો’ નો સરસ પરિચય આપ્યો છે.

જનતાએ ‘નેતાજી’ને જેવો ઊર્મિભર્યો આવકાર આપ્યો છે, તેવો જ આવકાર આ રાષ્ટ્રીય પ્રકાશનને આપશે, એવી હું આશા રાખું છું. ‘સંદેશ ગ્રંથમાળા’ના ચોથા વર્ષનો કાર્યક્રમ નક્કી થઈ ગયો છે. ચોથા વર્ષમાં ૧૦૦૦ પૃષ્ઠનું શિષ્ટ અને પ્રેરણાત્મક સાહિત્ય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. (વિગતવાર યોજના માટે જુઓ આ પુસ્તકનું ટાઈટલ ચોથું).

‘નેતાજીના સાથીદારો’ની સાથે જ શ્રી, રમણલાલ સોનીની અનુવાદિત કૃતિ ‘સંન્યાસિની’ પણ અમારી ગ્રંથમાળાના ગ્રાહકોને મળી જશે. ‘સંદેશ ગ્રંથમાળા’ દિનપ્રતિદિન જનતાની વિશેષ ચાહના પ્રાપ્ત કરતી જાય છે અને આ માટે હું જનતાનો ખૂબ જ આભારી છું.

ગ્રંથમાળાનું ચોથા વર્ષનું આ પ્રથમ પુષ્પ ગરવી ગુજરાતને ચરણે ધરી વિરમું છું.


સંદેશ પ્રકાશન મંદિર
સારંગપુર,
અમદાવાદ.
નંદલાલ ચુનીલાલ બોડીવાળા
ના ‘જયહિંદ’
મેનેજિંગ ડિરેક્ટર
‘શ્રી સંદેશ લિમિટેડ’