પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


[]

મોતની પરવા નહતી. નેતાજી સમક્ષ લીધેલા શપથ પાળવાને, મૃત્યુને ભેટવાને એ વીર તત્પર હતો. લશ્કરી અદાલતમાં ગુનાનો ઈન્કાર કરતાં કર્નલ શાહનવાઝે કરેલું નિવેદન હિંદના જ નહિ, પણ જગતના પદદલિત દેશેાની આઝાદીના ઇતિહાસમાં અમર રહેશે. એ નિવેદન વીરત્વના અમર કાવ્ય સમું છે. જરાય થડકાટ વિના તેમણે કહ્યું.

‘બ્રિટન વિરુદ્ધની લડતમાં ભાગ લેવાના મારી સામેના આરોપનો હું ઈન્કાર કરતો નથી, પણ આ કાર્ય મેં આઝાદ ફોજના એક સિપાહી તરીકે કર્યું હતું. આઝાદ ફોજે, માતૃભૂમિ હિંદની મુક્તિ માટે, દુનિયાના કાયદા મુજબ યુદ્ધ જાહેર કર્યું હતું. આ સેનાને બ્રિટિશ સૈન્યોએ પ્રતિપક્ષી દળ તરીકે સ્વીકાર્યું હતું.

આઝાદ ફોજમાં જોડાયો, ત્યારે મેં મારી બધી વસ્તુઓનું બલિદાન આપવાનો નિર્ણય કર્યો હતો. જો મારો ભાઈ મારા માર્ગમાં આડે આવે તો એની સામે લડવા પણ મેં નિર્ણય કર્યો હતો. ’૪૪માં લગભગ બે મહિના સુધી હું અને મારો પિત્રાઈ ભાઈ સામસામે ટેકરીઓમાં લડ્યા હતા.

મારી સામે એક જ સવાલ હતો કે મારે મારા દેશને વફાદાર રહેવું કે રાજાને ? મેં મારા નેતાજી સુભાષચંદ્ર બોઝને વચન આપ્યું હતું કે, હું દેશની આઝાદી ખાતર મારા સર્વસ્વનું બલિદાન આપીશ. આ વચનને વફાદાર રહેવાનો મેં નિશ્ચય કરી લીધો હતો. આઝાદ હિંદ સરકારે માતૃભૂમિ હિંદની આઝાદી માટે, દુનિયાના સાચા કાયદા મુજબ લડાઈ જાહેર કરી હતી.