પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


પુરુષાર્થ હતો. એટલું જ નહિ પણ નેતાજીએ તેમને સર્વોચ્ચ સલાહકારના સ્થાને મૂક્યા હતા. એમની સેવાઓની એ કદર હતી. એ કદરભાવનાને આપણે ભૂલવી ન જોઈએ.

સૌથી છેલ્લે બેટાઈ દંપતીનો પરિચય માપવામાં આવ્યો છે. આ પરિચય માટે પૂરતી વિગતો મેળવવાનો પ્રયાસ કર્યો છે. એ માટે કલકત્તા, મુંબાઈ અને રાજકોટ સુધી નજર દોડાવી અને આખરે જે પ્રમાણભૂત માહિતી મળી શકી, તેના પરથી એ પરિચય તૈયાર થયો છે. આ પરિચય આપવા પાછળ એક લાભ રહેલો છે. નેતાજીની ભાવનાને ઝીલવામાં ગુજરાતીઓ પાછળ રહ્યા નથી, એને લગતી સાબિતી આથી બીજી વિશેષ કઈ હોઈ શકે? નેતાજીના ‘કરો સબ ન્યોછાવર બનો સબ ફકીર’ સૂત્રને અપનાવીને ફકીર બનનાર માત્ર બે જ હતા. એક હતાઃ શ્રી. હબીબ નામના મુસ્લિમ જુવાન, બીજા હતાઃ શ્રી. બેટાઈ, જેમણે પોતાની લાખોની દોલત નેતાજીને ચરણે ધરી દીધીઃ શ્રી. બેટાઈની માફક જ તેમનાં પત્નીએ પણ એવો જ ત્યાગ કર્યો છે. આપણી પ્રજાને, આપણા જ આવા એક યુગલનો પરિચય થવો જરૂરી છે, એમ હું માનું છું.

અંતમાં આ પુસ્તક તૈયાર કરવામાં જે જે મિત્રોએ મને સહાયતા આપી છે તે સહુનો હું આભાર માનું છું.  જયહિંદ.

ગોલવાડ, ખાડિયા,
અમદાવાદ.
પ્રહ્‌લાદ બ્રહ્મભટ્ટ
}