પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શાહનવાઝખાન
૫૭
 

તા.૧૫જુલાઈ ભૂખમરાને કારણે માણસો ટપોટપ મૃત્યુના મુખમાં હોમાઈ રહ્યાં છે. કેટલાકે આપઘાત કર્યો છે. જાપાનીઓ કોઇ જાતની મદદ આપતા નથી.
તા.ઑગસ્ટ યાવાથી કીમેવારીનો જવાબ મળ્યો. તેણે પૈસાની કોઈ સગવડ કરી નથી, તેમ જ બીજી કોઈ મદદ આપવાની તૈયારી બતાવી નથી. તેણે એવી સૂચના કરી છે કે તેરાઉ ખાતેના અમારા બિમાર માણસોએ આપઘાત કરવો.

મેજર જનરલ શાહનવાઝખાનની ડાયરીનાં આ પાનાઓમાં એક વાત સ્પષ્ટ કહે છે કે આઝાદ ફોજના સૈનિકોને જાપાનીઓ પૂરતી સહાય આપતા ન હતા. મોરચા પર જ્યારે આઝાદ હિંદ ફોજના સૈનિકો ઈમ્ફાલને માટે ઝૂઝી રહ્યા હતા, અને ઇમ્ફાલના પતનની જ્યારે ઘડીઓ ગણાતી હતી ત્યારે આઝાદ હિંદ ફોજના સૈનિકોમાં ભૂખમારો ફેલાયો. આ ભૂખમરામાંથી બચવા માટે મેજર જનરલ શાહનવાઝખાને જાતે જાપાની સેનાપતિ પાસે અનાજની માંગણી કરી પણ તે અનાજ મળ્યું નહિ અને એવી પણ સૂચના કરવામાં આવી કે આઝાદ હિંદ ફોજના બિમાર સૈનિકોએ આત્મહત્યા કરવી.

આ પૃષ્ઠો એટલી વાત તો જગતને સ્પષ્ટ શબ્દોમાં કહી દે છે કે હિંદીઓ જાપાનના ગુલામ ન હતા. તે જાપાનને હિંદ જીતી આપવા માટે લડતા ન હતા. તેમણે ભૂખ્યા પેટે, શસ્ત્રોની તંગી વચ્ચે હિંદની આઝાદીનો જંગ ચાલુ રાખ્યો હતો. એક બાજુ દુશ્મન જ્યારે તોપગોળા વર્ષાવતો હતો ત્યારે બીજી બાજુ આઝાદ હિંંદના સૈનિકો, ભૂખમરાના ખપ્પરમાં હોમાઈને ‘જય હિંંદ'ના છેલ્લા શબ્દોચ્ચાર વચ્ચે, મૃત્યુને ભેટતા હતા.

મેજર જનરલ શાહનવાઝ ૧૯૪૨ના ફેબ્રુઆરીમાં સીંગાપોરમાં જાપાનને શરણે થયા ત્યારથી ૧૯૪૫ના મે મહિનામાં બ્રિટિશરોએ તેમને પકડ્યા ત્યાં સુધીના સમયને ત્રણ તબક્કામાં વહેંચી નાંખે છે.